નવસારી જિલ્લામાં નલ સે જલ ‘યોજના અંતર્ગત ગામોના ૮૫ ટકા ઘરોમાં તો ઘરે ઘરે નળથી પાણી પહોંચાડી દેવાનો દાવો વાસ્મો દ્વારા કરવામાં આવ્યો છે આ સિવાય આગામી સમયમાં તમામ ઘરોમાં પહોંચાડવાની તડામાર કામગીરી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ લાલ કિલ્લા પરથી દેશના તમામ ઘરોમાં ઘરઆંગણે શુદ્ધ પાણી પહોંચાડવાનો નીર્ધાર જાહેર કર્યો હતો. જેને ધ્યાનમાં લઈને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘નલ સે જલ તક’ યોજનાથી રાજ્યમાં ઘરે ઘરે પાણી પોહ્ચાડવાની ઝડપી કામગીરી આદરી છે.
વાસ્મોનું કેહવું છે કે નવસારી જીલ્લામાં આજ દિન સુધીમાં ૮૫ ટકાથી વધુ ઘરોમાં નળજોડાણની કામગીરી હાલ સુધીમાં પુરી થઈ ગઈ છે. ગામડાના કુલ ૨.૬૬ લાખ ઘરોમાંથી ૨.૨૮ લાખ ઘરોમાં તો નળથી જળ પાણી આપવાનું પૂર્ણ કરાયું છે, બાકીના જે ૧૪-૧૫ ટકા વિસ્તાર બાકી રહ્યા છે તેને આગામી સમયમાં નળજોડાણ આપવાની કામગીરી ચાલી રહી છે. સૂત્રોએ આપેલ માહિતી મુજબ આગામી ૨૦૨૧ માં સંપૂર્ણ જિલ્લામાં ‘નલ સે જલ તક’ની કામગીરી પુરી થઈ જવાનો અંદાજ છે.
વાસ્મોના ઈજનેરનું કેહવું છે કે નળજોડાણ આપવાની કામગીરી હજુ નવસારી જીલ્લાના વાંસદા તાલુકામાં ઘણી બાકી છે. વાંસદા તાલુકામાં ૬૯ ટકા કામગીરી થઈ છે અને એક જ ગામમાં સંપૂર્ણ ૧૦૦ ટકા કામ થયું છે. અહીંના અંતરિયાળ, જંગલના ગામોમાં કામગીરી પુરી કરવી તંત્ર માટે ચેલેન્જ છે. આ ઉપરાંત ખેરગામ અને ચીખલી તાલુકામાં પણ કામ મોટા પ્રમાણમાં બાકી છે.
હાલમાં તો નવસારી, જલાલપોર અને ગણદેવી તાલુકામાં ૯૬ ટકાથી વધુ કામગીરી પુરી થઈ ગઈ છે. અહીંના જ ૧૬૮ ગામો સંપૂર્ણ નળ જોડાણવાળા થયા છે. એવું વાસ્મોનું કેહવું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે કેટલાક અંતરિયાળ ગામોમાં હેન્ડપમ્પ પાણી માટેનો મોટો સ્ત્રોત રહ્યો છે. ખાસ કરીને વાંસદા તાલુકામાં વધુ છે. મળતી માહિતી મુજબ જિલ્લામાં હાલ પણ ૧૮ હજાર જેટલા હેન્ડપમ્પ છે. જોકે ઘણી જગ્યાએ હેન્ડપમ્પ હવે બીજો વિકલ્પ પણ છે.
નવસારી જિલ્લામાં ‘નલ સે જલ તક’ યાેજના ઝડપભેર પૂર્ણતા તરફ આગળ ધપી રહી છે. અનેક ગામો નળ જોડાણવાળા થઈ ગયા છે. જિલ્લામાં હાલ જે ૩૯૪ ગામો છે, તેમાંથી ૧૭૧ ગામોમાં તો સંપૂર્ણ નળજોડાણ થઈ ગયાનું સરકારી સૂત્રો જણાવે છે. ૨૦૨૧ માં કામગીરી પુરી થવાનો અંદાજ છે. – એક્ઝી ઈજનેર,વાસ્મો વાસ્મોનો યોજના સંદર્ભે ૮૫ ટકા કાર્ય થઇ ગયાનો દાવો કેટલો સત્ય છે ? અને આ બાબતે નવસારી જીલ્લાના સ્થાનિક લોકો શું નિર્ણય છે એ જોવું રસપ્રદ રહશે.