રાજસ્થાનની ગુર્જર સહિત પાંચ જાતિઓના અતિ પછાત વર્ગોના અનામતને બંધારણના ૯માં શિડયુલ્ડ સામેલ કરવા, રાજ્યની સરકારી ભરતીઓમાં બેકલોગ પૂર્ણ કરવા અને દેવનારાયણ બોર્ડની રચનાની માગ પૂર્ણ કરવા માટે ગુર્જરો આવતીકાલથી રાજસ્થાનમાં ચક્કાજામ કરશે. આ ચક્કજામ અગાઉ ગુર્જર સમાજ બે જૂથોમાં વિભાજિત થયાની માહિતી મળી રહી છે.

    આજે સરકાર અને એક ગુર્જરજૂથ વચ્ચે મંત્રણા થઇ હોવાનું કેહવામાં આવ્યું રહ્યું છે બીજી તરફ ગુર્જર સંરક્ષણ સંઘર્ષ સમિતિના સંયોજક કર્નલ કિરોડી સિંહ બૈંસલાએ સરકાર સાથે મંત્રણા કરવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે જણાવ્યું હતું કે રવિવારે ગુર્જર સમાજ ભરતપુર જિલ્લાના પિલૂકાપુરામાં મહાપંચાયત કર્યા પછી ચક્કાજામ કરવાનું આયોજન છે.

   મળતી માહિતી મુજબ રવિવારથી આંદોલનને ધ્યાનમાં રાખીને રાજસ્થાન સરકારે આઠ જિલ્લાઓમાં ત્રણ મહિના માટે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો અમલમાં મૂકી દીધો છે. ગૃહ વિભાગે આ સંદર્ભમાં આજે નોટિફિકેશન આપવામાં આવી હતી. ગૃહ વિભાગના આદેશ પછી કોટા, બૂંદી, ઝાલાવાડ, કરૌલી, ધૌલપુર, ભરતપુર, ટોંક સહિત અન્ય ગુર્જર બહુમતી જિલ્લાઓના કલેક્ટરો વધુ સત્તા આપી દેવામાં આવી છે. આ ઉપરાંત ભરતપુર, કરોલી, સવાઇમાધોપુર અને દૌસાની સાથે જયપુર જિલ્લાના ત્રણ તાલુકાઓમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી છે. પિલૂકાપુરમાં મહાપંચાયત અને આંદોલનની શરૂઆત કરવાની જાહેરાત પછી સરકારે ભરતપુર જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરી દીધી છે. જે મુજબ પાંચ કે તેથી વધારે વ્યક્તિઓ એકત્ર થઇ શકશે નહીં.

    ઘણા ગુર્જર બહુમતી ધરાવતા જિલ્લાઓમાં વધારાની પોલીસ બંધોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. તથા હાઇવે પર સુરક્ષા ગોઠવવામાં આવી છે. રાજસ્થાનના આરોગ્ય પ્રધાન રઘુ શર્મા અને શિક્ષણ પ્રધાન ગોવિંદસિંહ ડોટાસરાએ કહ્યું  કે રાજ્ય સરકારે ગુર્જરોને અનામત આપી દીધું છે હવે અનામતને બંધારણના ૯માં શિડયુલમાં સામેલ કરવાનું કાર્ય કેન્દ્ર સરકારનું છે. આ માટે રાજ્ય સરકારે બે વખત કેન્દ્ર સરકારને પત્ર પણ લખ્યા છે. સરકારે ગુર્જરોની સાથે રાયકા, રબારી, ગાડિયા લુહાર અને બંજારા જાતિઓને અતિ પછાત વર્ગમાં પાંચ ટકા અનામત આપ્યું હતું. જો કે વિભિન્ન કારણોસર અનેક વખત આ મામલો કોર્ટમાં અટકી પડયો હતો.

   ગુર્જર નેતાઓનું કહેવું છે કે અનામતને બંધારણના ૯મા શિડયુલમાં સામેલ કરવામાં આવે. તથા ગુર્જર નેતાઓ બેકલોગ પૂર્ણ કરવા, દેવનારાયણ બોર્ડની રચના કરવા અને અત્યાર સુધી થયેલા આંદોલનોમાં ગુર્જરો વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલો કેસો પરત લેવાઈ તેમની માંગણી છે. આ અનુસંધાનમાં સરકાર હવે કયા પગલાં અને કયા નિર્ણયો લેશે એ આવનાર સમય જ બતાવશે.