દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

    વાંસદા તાલુકાના બારતાડ અને પદમડુંગરીના ચાંદસૂરિયાને જોડતો અંબિકા નદીનો ચેકડેમ પર ચોમાસા દરમિયાન પડેલા વરસાદને કારણે મસમોટા ગાબડા પડ્યા છે. હાલમાં સમારકામ માટે તંત્રના અધિકારીઓએ આળસ નહીં ખંખેરતા પદમડુંગરીના લોકો માટે વાહનવ્યવહર ઠપ થઈ જતા લોકોએ ભારે હાલાકિ ભોગવવાનો વારો આવ્યો છે.

બારતાડ ગામમાંથી પસાર થતી અંબિકા નદી પર આવેલો ચેકડેમ ચોમાસા દરમિયાન પાણીમાં અવારનવાર ગરકાવ થઈ જતો હોય છે ત્યારે ભારે વરસાદમાં ડેમના ઉપરી ભાગમાં ગાબડા નીકળી જતા મસમોટું ભંગાણ સર્જાયા બાદ હાલમાં પદમડુંગરીથી ઉનાઈ અવરજવર માટે ગ્રામજનોને 4 થી 5 કિ.મી. દૂર ફેરો કરવાનો વારો આવ્યો .છે તેઓ ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

અંબિકા નદીના ડેમ પર સર્જાયેલ આ ભંગાણ બાદ તંત્રના અધિકારીઓ નિરસ વલણના પાપે ઉનાઈ આવવા પદમડુંગરી વિસ્તારની ગરીબ-મજૂર વર્ગના લોકોને અને ખેડૂતોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઉનાઈ કામ અર્થે કે મજૂરી આવતા લોકોને આ ભંગાણથી અવરજવર બંધ થઈ છે. સમયનો બગાડ સાથે 10 કિલોમીટરનો મોટો ચકરાવો લેવો પડી રહ્યો છે.

ત્યારે બંને બાજુથી વિખૂટા પડેલા બારતાડ-પદમડુંગરીની હાલાકિ ભોગવતી જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતે તંત્રના અધિકારીઓ આ ડેમનું સમારકામ કરવા આળસ ક્યારે ખંખેર તે જોવું રહ્યું. લોકોએ પારાવાર હાલાકી વેઠવી પડતી હોવા છતાં તંત્ર દ્વારા આજદિન સુધી ધોવાઇ ગયેલા અને જર્જરિત થયેલા ડેમને જોવા જવની પણ તસ્તી લીધી નથી. હવે આ સમસ્યા વિષે શું નિર્ણય લે છે અને શું ઉકેલ લાવે છે એ જોવું રહ્યું.