બોલિવૂડમાં ઈચ્છાધારી નાગિનનો કોન્સેપ્ટ ઘણો જ જૂનો અને લોકપ્રિય રહ્યો છે. 80 ના દાયકામાં શ્રીદેવી તથા રીના રોયે નાગિન બનીને ચાહકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું. હવે વર્ષો બાદ શ્રદ્ધા કપૂર નાગિન બનવાની છે. તેણે નવી ફિલ્મ સાઈન કરી લીધી છે.

  શ્રદ્ધા કપૂરની નવી ફિલ્મનું નામ ‘નાગિન’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મને વિશાલ ફુરિયા ડિરેક્ટ કરશે અને નિખિલ દ્વિવેદી પ્રોડ્યૂસર છે. ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે ટ્વીટ કરીને કહ્યું હતું, ‘હવે આ નક્કી થઈ ચૂક્યું છે કે શ્રદ્ધા કપૂર ઈચ્છાધારી નાગિન બનશે. ફિલ્મનું નામ ‘નાગિન’ છે. આ ફિલ્મ ત્રણ ભાગમાં બનશે. ફિલ્મને વિશાલ ફુરિયા ડિરેક્ટ કરશે અને પ્રોડ્યૂસર નિખિલ દ્વિવેદી છે. આ પહેલા રીના રોય તથા શ્રીદેવીએ ઈચ્છાધારી નાગિનનો રોલ પ્લે કર્યો હતો.

   શ્રદ્ધા કપૂર આ પહેલા ફિલ્મ ‘સ્ત્રી’માં ભૂતના રોલમાં જોવા મળી હતી. શ્રદ્ધાએ કહ્યું હતું કે તે હંમેશાંથી શ્રીદેવીની મોટી ચાહક રહી છે. તેને આનંદ છે કે તે જે ફિલ્મ જોઈને મોટી થઈ હતી, તે જ રોલ કરવાની છે. તેને શ્રીદેવીની ‘નાગિન’ ઘણી જ પસંદ આવી હતી અને તે હંમેશાંથી આવો રોલ પ્લે કરવા માગતી હતી.’

  ઇચ્છાધારી નાગિનનો કોન્સેપ્ટ હંમેશા બોલીવૂડ અને ટેલીવિઝન પર સુપરહિટ રહ્યો છે. આ વિષય પર બનેલી ફિલ્મ અને સિરીયલે દર્શકોના દિલ જીતી લીધા છે.