દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા ૭૭ લાખને પાર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં ૫૫,૮૩૯ નવા કોરોનાના કેસ નોંધાયા હતા અને વધુ ૭૦૨ દર્દીઓનાં મૃત્યુ થયા હતા જ્યારે ૭૯,૪૧૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. અત્યાર સુધી એક લાખ ૧૬ હજાર ૬૧૬ દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. અમેરિકા બાદ કોરોનાના સૌથી વધુ કેસ અને મોતના આંકડા ભારતમાં વધી રહ્યાં છે.

      રાહતની વાત એ છે કે, કુલ કોરોના પોઝિટિવ કેસમાંથી અત્યાર સુધી ૬૮ લાખ ૭૪ હજાર લોકો સ્વસ્થ થઈ ગયા છે અને એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૭ લાખ ૧૫ હજાર પર આવી ગઈ છે. દેશમાં સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં રિકવરી રેટ ૮૯ ટકા છે. જ્યારે મૃત્યુદર ઘટીને ૧.૫૧ ટકા થઈ ગયો છે. ભારતમાં મૃત્યુ દર દુનિયાના દેશો કરતા સૌથી ઓછો છે.

      ICMRના અહેવાલ અનુસાર, ભારતમાં ૨૧ ઓક્ટોબર સુધી કોરોના વાયરસના કુલ ૯ કરોડ ૮૬ લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂકયા છે, જેમાંથી ૧૪.૬૯ લાખ સેમ્પલનું ટેસ્ટિંગ ગઈકાલે કરવામાં આવ્યું હતું. દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. ભારત એક્ટિવ કેસ મામલે અને કોરોના કેસના હિસાબે દુનિયામાં બીજા ક્રમે છે.