વલસાડમાં રેતી ચોર ઈસમો હવે સ્થાનિક તંત્રને ખિસ્સામાં લઇ ઔરંગાનદી પશ્ચિમે કોસંબા સુધીના ખાંજણ સુધી નદીમાંથી રેતીનું ખનન કરી રહ્યા છે. પરિણામે કોસંબા, ભાગડાવડા, ભદેલી જગાલાલા અને ભાગડાખુર્દના ગામોની ખેતીની જમીન સામે સવાલો ઉઠયા છે. છેલ્લા 1 વર્ષથી રેતીના માફિયાઓ અહીં મનમાની કરી રહ્યા છે. પણ તંત્ર બેધ્યાન બન્યું છે.
શહેરના લીલાપોરથી લઇ કોસંબા સુધીના વિસ્તારમાં રેતીચોર ઈસમો બિન્દાસ રેતી ખનનની પ્રવૃત્તિ કરી રહ્યા છે જેને લઈ અસરગ્રસ્ત ગામોની ગ્રામપંચાયતોએ ઠરાવો કરી રેતી ખનન રોકવાની માગ કરી છે. જો આ ગેરકાયદે ખનનનો વેપલો બંધ ન થાય તો તેમની જમીનો ધોવાણમાં જશે અને તેઓ આર્થિક રીતે પાયમાલ થઇ જશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ દરમિયાન વલસાડના કોસંબા, ભાગડાવડા, ભદેલી જગાલાલા અને ભાગડાખૂર્દ ગામના સરપંચો, સભ્યો, જિ.પં.ના સભ્ય વંદના દામાભાઇ ટંડેલ અને તા.પં.ના સભ્ય તનુજાબેન દિલીપકુમાર ટંડેલ કલકેટર આર.આર.રાવલને ફરિયાદ કરી ગેરકાયદે રેતીખનન અટકાવવા માંગ કરી છે ત્યારે ખાણ ખનીજ ની કામગીરી સામે સવાલો ઉઠી રહયા છે.લોકો એ રેતી ખનન અટકાવવાનો નિર્ણય લઇ લીધો છે હવે સરકારી તંત્ર શું પગલાં ભરે છે એ જોવું રહ્યું.