રાજ્યમાં વિધાનસભાની 8 બેઠકો પર આગામી 3જી નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. ત્યારે નોંધનીય છે કે ભાજપે પોતાના તમામ ઉમેદવારો જાહેર કરી દીધાં છે. પરંતુ કોંગ્રેસે 5 ઉમેદવારો જ જાહેર કર્યા છે. એવામાં ડાંગ જિલ્લામાં યોજાવા જઇ રહેલ પેટાચૂંટણી મામલે બે ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.
આહવા તાલુકાના વાંગણ અને કુતરનાચ્ચા ગામનાં રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. કારણ કે 300થી વધુ કુંટુંબનાં લગભગ 2500 ગ્રામજનોને ચોમાસાની ઋતુ દરમિયાન ખાપરી નદીનાં પૂર ઉતરીને ગામમાં અથવા વહીવટી મથક સુધી જવું પડે છે. દેશ આઝાદ થયાને આજે 70 વર્ષ વિતી ગયા હોય તેમ છતાં અહી પાયાની સુવિધાનાં નામે મીંડુ જોવા મળે છે. જેમાં આજે પણ અહી ગ્રામજનોને ચોમાસા દરમિયાન નિચાણવાળા અને ભયજનક કોઝવે પસાર કરવો પડી રહ્યો છે. ચોમાસામાં આ બંને ગામનાં રહીશોને બીમારી જેવા સમયે ભારે હાલાકી વેઠવાની નોબત ઉભી થાય છે. આ ગ્રામજનો દ્વારા અનેક વાર કાપરી નદી ઉપર બનાવવામાં આવેલો કોઝ વે ઊંચો કરવાની રજૂઆત કરાઇ હતી. પરંતુ આજ દિવસ સુધી એ મામલે કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવામાં આવતા ગ્રામજનોમાં ઉગ્ર રોષ છે.
ચોમાસા દરમિયાન નદીમાં એકાએક પાણી વધી જતાં સ્થાનિકોએ ભારે હાલાંકીનો સામનો કરવો પડે છે. જેથી ગ્રામજનોએ એવી ચીમકી ઉચ્ચારી છે કે, જો 7 દિવસમાં કોઝ વે ઊંચો કરવા અંગે કામગીરી કરવામાં નહીં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે એવી ચીમકી પણ ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે.હવે લોકોના આ નિર્ણય પર તંત્રની કાર્યવાહી શું હશે એ આવનારો સમય જ બતાવશે.