સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં અત્યારે ચૂંટણીનો મોસમ ચાલી રહ્યો છે. આગામી સમયમાં સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જિલ્લા પંચાયત, નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. જેને લઇને પ્રદેશમાં રાજકીય માહોલ ગરમાયો છે. એવા સમયે જ પ્રદેશના રાજકારણમાં સૌથી મોટા સમાચાર આવ્યા છે કે સાત ટર્મ સુધી સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ તરીકે ચૂંટાતા આવતા અપક્ષ સાંસદ મોહન ડેલકરે આખરે જેડીયુ સાથે ગઠબંધન કરી દીધું છે અને આજે વિધિવત રીતે સેલવાસમાં ગઠબંધનની જાહેરાત પણ કરી દીધી છે.

    આપને જણાવી દઇએ કે ગત લોકસભાની ચૂંટણી પહેલાં જ મોહન ડેલકરે દાદરા નગર હવેલીના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે રાજીનામું આપી અને કોંગ્રેસ સાથે છેડો ફાડી અપક્ષ સાંસદ તરીકે જીત મેળવી હતી. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીનું સાતમી વખત લોકસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ત્યારે પ્રદેશના રાજકારણમાં સૌથી મોટુ માથું ગણાતા ડેલકર હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સમયે જ પોતાનો દબદબો યથાવત રાખવા માટે તેઓએ જિલ્લા પંચાયત, નગરપાલિકા અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં પોતાના સમર્થકો સાથે જનતાદળ યુનાઇટેડ સાથે ગઠબંધન કર્યું છે. આગામી સમયમાં સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવનાં જિલ્લા પંચાયત, નગર પાલિકા અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં જેડીયુના તીર ના નિશાન હેઠળ તેમના ગઠબંધનના ઉમેદવારોને ઉભા રાખશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં શાનદાર દેખાવ કરી જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં સત્તા જમાવવા માટે રણનીતિ તૈયાર કરી છે.

    આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના જનતાદળ યુનાઇટેડના પ્રદેશ પ્રમુખ ધર્મેશ ચૌહાણની હાજરીમાં સાંસદ મોહન ડેલકરે જેડીયુ સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી હતી. દાદરા નગર હવેલીમાં મોહન ડેલકર અને જેડીયુના આ ગઠબંધનની અસર આગામી સમયમાં લોકસભા અને રાજ્યસભામાં પણ જોવા મળશે. ડેલકર ખુદ સ્વીકારી રહ્યા છે કે આગામી સમયમાં લોકસભામાં પણ જ્યારે પ્રદેશના હીતના સવાલ આવશે એ વખતે તેઓ જેડીયુની સાથે અવાજ મિલાવી અને કેન્દ્ર સરકારનું ધ્યાન દોરીને પ્રદેશની સમસ્યાઓનો હલ કાઢવા માટેના પ્રયાસો કરશે.

   મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલ અને મોહન ડેલકર વચે કોલ્ડવોર ચાલી રહ્યો છે. અપક્ષ તરીકે પ્રશાસક પ્રફુલ પટેલ સામે એકલા લડી રહેલા મોહન ડેલકરને હવે જેડીયુનો પણ સાથ મળ્યો છે. મોહન ડેલકર અને જેડીયુનું ગઠબંધન સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને પ્રદેશના રાજકારણ માટે તો મહત્વનું છે જ પરંતુ સાથે સાથે લોકસભામાં પણ હવે જેડીયુને મોહન ડેલકરનો સાથ મળશે.