દક્ષિણ ગુજરાતમાં એક તરફ કોરોના સંક્રમણની અનિશ્ચીતતા યથાવત છે તે વચ્ચે ફરી એક વખત મોંઘવારી મોટો ફુંફાડો મારે તે પણ સંકેત મળી રહ્યા છે અને ખાસ કરીને શાકભાજી, દાળ, ખાદ્યતેલ ના ભાવમાં ઓચીંતો વધારો થવા લાગ્યો છે અને આગામી દિવસોમાં ફળોના ભાવોમાં પણ વધારો થશે. બજારના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ હજુ થોડા સમય સુધી શાકભાજી, ખાદ્યતેલ અને દાળના ભાવમાં કોઈ ઘટાડો થવાની શકયતા નથી.

વર્તમાન સમયમાં તહેવારોની મોસમ આવી રહી છે એટલે માંગ વધશે તેમ ભાવવધારો પણ થશે. છેલ્લા 10 દિવસમાં જ અડદની દાળના ભાવ 93 રૂપિયાથી 111 થઈ ગયા છે. વિવિધ તેલના ભાવમાં ઓછામાં ઓછા રૂા.18 થી 20નો વધારો થયો છે. ડુંગળી અને બટેટા અને ટમેટાના ભાવ પણ વધ્યા છે. જેને કારણે રસોડાનું બજેટ બગડી જાય તેવા સંકેત છે. ગત મહિનેથી અત્યાર સુધીમાં અન્ય દાળના ભાવમાં પણ 10 ટકાનો વધારો નોંધાયો છે.

તહેવારોની સીઝનમાં બટેટા, ટમેટા અને ડુંગળી જેવા સામાન્ય ખાદ્ય શાકભાજીમાં ભાવવધારો થાય જ છે અને જથ્થાબંધ બજારમાંથી છૂટક બજારમાં આવતા ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. સામાન્ય માણસ માટે આ ભાવ વધારો તહેવારોનો આનંદ ઉલ્લાસ છીનવી લેશે એ પાક્કું છે હવે સરકારે અને સમાજે આ મોઘવારી સામે કેવી રીતે સામાન્ય માણસ ઉપર પડનારી મુશીબતોથી બચાવવાનો નિર્ણય લઇ ઉપાયો સુઝાવવા પડશે.