સરકારી નોકરીઓમાં ઇન્ટરવ્યૂને લઇ કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવે દેશના 23 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સરકારી નોકરીઓ માટે ઇન્ટરવ્યૂ નહીં લેવાય. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે આ જાણકારી આપી છે.

        દેશના 28 માંથી 23 રાજ્યો અને જમ્મુ કાશ્મીર અને લદાખ સહીત 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સરકારી નોકરીઓ માટે હવે ઇન્ટરવ્યૂ વ્યવસ્થા ખતમ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે આ અંગે કહ્યું કે કેન્દ્ર સરકારમાં ગ્રુપ બી અને ગ્રુપ સીના પદ માટે ઇન્ટરવ્યૂની વ્યવસ્થા 2016થી જ ખતમ કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ 2015માં લાલ કિલ્લાથી પરીક્ષાઓથી ઇન્ટરવ્યુ હટાવવા અને લેખિત પરીક્ષાનાં આધારે જ નોકરી આપવાની વાત કહી હતી.

       આપણા જાણમાં જ છે કે ગ્રુપ બી અને ગ્રુપ સીના પદ માટે ઇન્ટરવ્યૂની વ્યવસ્થા 2016થી જ ખતમ કરી દેવામાં આવી હતી જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રએ આ નિયમને ઘણી ઝડપથી સ્વીકાર્યો હતો, બીજા રાજ્યોએ તેને જલ્દીથી લાગુ કરવાની અનિચ્છા દર્શાવી હતી. જોકે, હવે 23 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની પરીક્ષાઓ માંથી ઇન્ટરવ્યૂ ન લેવાની વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

      તેમણે કહ્યું કે ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા માટે ઇન્ટરવ્યુ હટાવી દેવાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ખૂબ મદદરૂપ સાબિત થઇ. પહેલા ઘણીવાર આરોપ લાગતા હતા કે નોકરીઓમાં ઇન્ટરવ્યુના અંકોમાં ગોટાળા કરવામાં આવતા હતા અને તેના બદલામાં મોટી રકમ લાંચ રૂપે આપવામાં આવતી હતી. આવી ભ્રષ્ટ્રાચારની ઘટના ન થાય એ માટે સરકારે આ નિર્ણય લીધો હોવાનું સરકારી સુત્રો જણાવી રહ્યા છે.