દીકરી નાની હોય કે મોટી હોય, કે.જી.માં ભણતી હોય કે કોલેજમાં, કુમારિકા હોય કે કન્યા, દીકરી સદાય દીકરી જ રહે છે. દીકરી શું છે? શું નથી દિકરી એટલે દિકરી ! દિકરી માટે કોઈ પણ ઉપમા ઓછી પડે દિકરી એટલે કાળજાનો કટકો..સંવેદનાનું સરોવર.. સ્નેહની સરવાણી.. પ્રેમનું પારણું..હેતનો હિંડોળો.. ઊછળતો ઉલ્લાસ.. હરખની હેલી.. વ્હાલની વર્ષા.. ઝાલરનો ઝંકાર.. ફુલદાનની ફોરમ.. અવનીનું અલંકાર.. વિશ્વાસનું વહાણ.. શ્રધ્ધાનો સથવારો.. પૃથ્વીનું પાનેતર.. ધરતીનો ધબકાર.. અને આ સૃષ્ટિનો શણગાર છે એમ કહી શકાય.

       સૂર્યના ઘરે દીકરી હોત અને તેને વિદાય કરવાનો અવસર આવ્યો હોત તો સૂર્યને ખબર પડત કે અંધારું કોને કહેવાય ? દિકરી એટલે શું ? દિ–  ‘દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ’  –  ‘કસ્તૂરીની જેમ સદાય મહેકતી અને મહેકાવતી’  રી– ‘ રિધ્ધિ-સિધ્ધિ આપનારી અને પરિવારને ઉજળો કરતી એવી એક પરી’ કોઈ પણ પરિવારમાં એક પિતાને ખખડાવવાનો અધિકાર માત્ર દીકરી પાસે જ હોય છે. દરેક દીકરી પોતાના પિતાને કેમ સૌથી વધુ પ્રેમ કરે છે ?  કેમ કે તેને ખબર છે કે આખી દુનિયામાં આ એક જ પુરુષ છે જે તેને ક્યારેય દુ:ખી નહી કરે, એક નજીકના સંબધીએ કહ્યું કે  હું પત્ની કરતાંય મારી દીકરીને વધારે પ્રેમ કરું છું. હું મારા બધાં દુઃખો મારી દિકરીને જોઈને ભૂલી જાઉં છું.

                         

       દીકરી વીસ-બાવીસની થાય ત્યાં સુધીમાં બાપને તેના વાત્સલ્ય પ્રેમની આદત પડી જાય છે. દીકરી ક્યારેક મા બની રહે છે, ક્યારેક દાદી બની જાય છે તો ક્યારેક મિત્ર બની રહે છે. સુખ હોય ત્યારે દીકરી બાપના હોઠનું સ્મિત બની રહે છે. અને  દુઃખમાં બાપના આંસુ લૂછતી હથેળી બની જાય છે. માં-બાપ માટે બાળપણમાં બિન્દાસ દીકરી – ભલે બાપ સામું ચબચબ બોલતી હોય, માનું મન રાખતી ન હોય, ભાઈને ભાળ્યો મૂકતી ન હોય, બહેનો હારે બથોબથ આવતી હોય અને શેરીમાં સીપરા ઉડાડતી હોય. પરંતુ જયારે યુવાન થાય ત્યારે તરત જ ગંભીરતા ધારણ કરી લે છે જોતજોતામાં દીકરી મોટી થઈ જાય છે. અને એક દિવસ પાનેતર ઓઢી વિદાય થાય છે. જતી વેળા પિતાની છાતીએ વળગીને સજળ નેત્રે એ કહે છે : પપ્પા, હું જાઉં છું.. મારી ચિંતા કરશો નહીં.. તમારી દવા બરાબર લેજો.. અને ત્યારે પોતાની આંખમાં ઉમટી આવતાં આંસુઓને તે રોકી શકતો નથી. પણ વર્ષોથી અધુરો રહેલો એક સળગતો પ્રશ્ન માં બાપ નું ઘર દીકરી નું પિયર કહેવાય ને પતિ નું ઘર એનું સાસરું કહેવાય દીકરી આખી ઉમર શોધે મારું ખુદનું ઘર કયું કહેવાય ? આ સવાલનો જવાબ ના માં- પાસે છે ના પિતા પાસે કે પછી આપણા સમાજ પાસે !

       જાણીતા લેખક ગુણવંત શાહે સરસ કહ્યું છે “મોગરાની મહેક ગુલાબની ભવ્યતા અને પારિજાતની દિવ્યતા કોઈ ઝાકળ બિંદુમાં એકઠી થાય ત્યારે પરિવારને દિકરી પ્રાપ્ત થાય છે“ છેલ્લે ઈશ્વરને પ્રાર્થના કે કોઈપણ દીકરીને એના પિતાથી એટલી બધી દુર ન મોકલતા કે કોઈ શિયાળાની કાતિલ ઠંડી હોય ચોમાસાની મેઘલી રાત હોય અને પપ્પાના છેલ્લા શ્વાસ હોય તો દીકરી પોતાના હાથનું ચમચી પાણી પણ ન પીવડાવી શકે. છેલ્લે પિતા પણ કહેતા હોય કે મારી દીકરી ને તેડાવી લો મારે એનું મોઢું જોવું છે છેલ્લી વખત. ખરેખર જેઓ આ પૃથ્વી ઉપર દીકરીના માં-બાપ છે તેઓ કુદરતની વધુ નજીક છે. કોને દિકરીના પ્રેમથી નવાજવા એનો નિર્ણય તો કુદરત કરે છે.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here