સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આદિવાસીઓને રોજગારના નામે છેતરીને નર્મદા જિલ્લા ટ્રાઇબલ સબ પ્લાનના અધિકારીઓ તેમની ગ્રાન્ટ ચાંઉ કરી ગયા છે. સ્થાનિક યુવાનોએ આક્ષેપ લગાવ્યો છે કે નર્મદા જિલ્લા ટ્રાઇબલ સબ પ્લાનના અધિકારીઓએ તેમના માટેની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર કરી તેમની સાથે છેતરપિંડી કરી છે.

     સરકાર એકબાજુ એ દાવો કરી રહી છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રોજેક્ટ્સમાં સ્થાનિકોને જ રોજગાર આપવામાં આવશે અને સરકાર કહે છે કે દસ હજારથી વધુ લોકોને રોજગારી આપી હોવાનો દાવો કર્યો છે. જ્યારે 28 જેટલા સ્થાનિક યુવાનો સરકારે બતાવેલી એજન્સીમાં તાલીમ મેળવી હોવા છતાં પણ નોકરી અંગે એક વર્ષથી રઝળી રહ્યા છે. આ બેરોજગારોએ નર્મદા જિલ્લા કલેક્ટરને રોજગાર માટે રજૂઆત કરી હતી અને રોજગાર નહી મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.

     ટ્રાઇબલ સબ પ્લાન દ્વારા આદિવાસીઓની ગ્રાન્ટ વાપરીને આ 28 યુવાનોને આંધ્રપ્રદેશ ખાતે સિક્યોરિટી ગાર્ડની તાલીમ અપાવી સજ્જ કર્યા અને અધિકારીઓએ વચન આપ્યું હતું કે તાલીમ લઈને આવશો તો સ્ટેચ્યુ ઓફ યુનિટી કે બીજા કોઈપણ પ્રોજેક્ટમાં સિક્યોરિટીની નોકરી આપવામાં આવશે. હવે સવાલ એ છે કે ટ્રાઇબલ સબપ્લાન દ્વારા નક્કી કરવામાં આવેલી ટ્રેનિંગ એજન્સીનું સર્ટિફિકેટ માન્ય નથી તો પછી આ યુવાનોને આંધ્ર પ્રદેશ તાલીમ માટે કેમ મોકલાયા? નોકરીના નામે ખોટા સપના કેમ બતાવ્યા? એક વર્ષની સઘન તાલીમ પછી પણ આ આદિવાસી યુવાનોને કોઈ નોકરી આપવા તૈયાર નથી. કેમ?

     તેમણે જણાવ્યું હતું કે તાલીમ લઈ આવ્યા બાદ નોકરી માટે અમારી કોઈ વાત જ સાંભળતુ નથી. અમારી તાલીમના સર્ટિફિકેટને અમાન્ય ગણવામાં આવી રહ્યુ છે. આ 28 યુવાનોએ અધિક જિલ્લા કલેક્ટર એચ.કે.વ્યાસને રજૂઆત કરી છે કે તેમની પાછળ ખર્ચાયેલા ટ્રાઇબલ વિભાગની ગ્રાન્ટના રૂપિયાની તપાસ થવી જોઈએ અને તાલીમ મેળવેલ તમામ યુવાનોને રોજગાર મળવો જોઈએ.

     સ્થાનિક યુવાનોએ એવો પણ આક્ષેપ લગાવ્યો છે કે નર્મદા જિલ્લા ટ્રાઇબલ સબ પ્લાનના અધિકારીઓ પર તેમની પાછળ વપરાયેલ ગ્રાન્ટનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર કરી અમારી સાથે છેતરપિંડી કરી છે. નર્મદા ટ્રાઇબલ સબ પ્લાન હેઠળ છેક આંધ્ર પ્રદેશમાં તાલીમ લઈ આવેલા નઘાતપોર ગામના સ્થાનિક યુવાન અમિતાભ તડવીએ જણાવ્યું હતું કે અમારી સાથે છેતરપિંડી થઈ છે. ગરુડેશ્વર તાલુકાના વિવિધ ગામોમાં રહેતા શિક્ષિત યુવાનોને આદિવાસીઓ તાલીમની ગ્રાન્ટથી 28 શિક્ષિત બેરોજગારો તરીકે પસંદ કરીને આંધ્રપ્રદેશની એક ખાનગી એજન્સી પાસે સિક્યોરિટી તાલીમ માટે મોકલવામાં આવ્યા હતા. હવે તાલીમ લઈ આવ્યા બાદ નોકરી નથી આપી અને જ્યારે અમે નોકરી માટે ગયા ત્યારે અમારી કોઈ વાત જ સાંભળતુ નથી, એટલું જ નહી અમારા તાલીમ સર્ટિફિકેટને અમાન્ય ગણવામાં આવી રહ્યુ છે. જો સર્ટિફિકેટ જ માન્ય નથી તો ટ્રેનીંગ માટે કેમ મોકલ્યા હતા?

     આના પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે અમારા નામની આદિવાસીઓની ગ્રાન્ટનો ટ્રાઇબલ સબ પ્લાન વિભાગે દૂરુપયોગ કર્યો છે. આ અધિકારીઓએ ગેરરીતિ કરી છે અને તેની તપાસ થવી જોઈએ. અને અમને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અથવા અન્ય પ્રોજેક્ટમાં સિક્યુરિટી ગાર્ડ ની નોકરી આપવામાં આવે. અમે એક વર્ષથી ટ્રેનીંગ લઈને આવ્યા છીએ પરંતુ હાલ બેરોજગાર બની રખડી રહ્યા છે ત્યારે આદિવાસી વિભાગ અને તંત્રએ અમારી સાથે છેતરપિંડી કરી હોય તેમ લાગે છે. યુવાનોનું કહેવું છે કે અમને ન્યાય નહી મળે તો આંદોલન કરીશું.

     નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકો એક મોટું પ્રવાસન ધામ બની ગયો છે પરંતુ આજે પણ સ્થાનિક આદિવાસી શિક્ષિત યુવકો-યુવતીઓ બેરોજગાર છે. બહારના લોકો આવીને અહીંયા નોકરી કરે છે પરંતુ સ્થાનિકો નોકરી વગર રખડી રહ્યા છે. સરકાર સ્થાનિકોને નોકરી આપવાના ખોટા દાવા કરે છે પરંતુ આજે પણ સ્થાનિક લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નોકરી આપતા નથી. હવે જોવાનું એ રહ્યું કે ટ્રેનીંગ લઈને આવેલા યુવાનોને નોકરી આપશે?. નિર્ણય શું  આવશે યુવાનોને ન્યાય મળશે કે પછી નોકરી માટે આંદોલન કરવું પડશે?

by: ચિરાગ તડવી