વાપી શામળાજી હાઇવે પર ચોમાસા દરમિયાન મસમોટા ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. ધોધમાર વરસાદને કારણે ભીનાર, ખડકાળા, ઉનાઈ નજીક આવેલા પુલ પર વરસાદી ખાડા પડ્યા હતા. જેમાં મસમોટા ખાડા પડવાથી વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકો પટકાયા હતા સાથે વાહનોને પણ મોટા પાયે નુકસાન થયું હતું.

      વાંસદા ચીખલીના વિસ્તારના ધારાસભ્યએ વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ સાથે ખાડા પૂજન, ખાડામાં વૃક્ષારોપણ જેવા કાર્યક્રમ કરી વિરોધ નોંધાવ્યો હતો. તંત્રએ વાંસદા તાલુકામાં ઠેર ઠેર રસ્તાઓનું પેચવર્કનું કામ શરૂ કરાવ્યું હતું. જ્યારે તંત્ર દ્વારા વાપી-શામળાજી હાઇવે પર પેચવર્કની કામગીરી આરંભાય ત્યારે તંત્ર દ્વારા હાઇવે પર પડેલા માત્રને માત્ર મોટા ખાડાનું પેચવર્કનું કામ કરી હાશકારો અનુભવ્યો હતો અને નાના ખાડાઓ એ જ હાલતમાં હતા. હાલમાં ફરીથી વરસાદ આવતા ખાડા મોટું સ્વરૂપ ધારણ કર્યું છે.

      જેના કારણે વાહન ચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. પેચવર્કની કામગીરીમાં તંત્રએ જાણે વેઠ ઉતારી હોય એમ મોટા ખાડા પુરી નાના ખાડા પુરવામાં આળસ કરી હોય એવું લાગી રહ્યું છે. જોકે રસ્તા પર પડેલા નાના ખાડાઓ વધુ અકસ્માતો નોતરતા હોય છે. રસ્તા પર પડેલા નાના ખાડામાં બાઈક સ્લીપ થવાની ભૂતકાળમાં અનેક ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે જેથી આવા નાના ખાડા સત્વરે પુરાઈ એવી લોક માંગ ઉઠી છે. એમ લાગે છે કે લોકોને લોલીપોપ આપવામાં આવ્યો હોય. રાજકીય પક્ષોના નેતાઓ પણ હાલમાં તો ચુપ્પી ધારણ કરીને બેઠા છે. નિર્ણય હવે લોકોએ કરવાનો છે.