રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેતીમાં થયેલા નુકસાન માટે જાહેર કરેલા 3700 કરોડના કૃષિ સહાય પેકેજમાં અહીંના નવસારી જિલ્લાના 6માંથી 5 તાલુકા અને ડાંગ જિલ્લાનો સમાવેશ ન કરતા નારાજગી સર્જાઈ છે. વર્તમાન ચોમાસાની મોસમમાં ઓગસ્ટ મહિનામાં પડેલા ભારે વરસાદના કારણે રાજ્યમાં ખેતીના પાકને ભારે નુકસાન થયું હતું. આ નુકસાની અંગેનો સરવે પણ ખેતીવાડી વિભાગે હાથ ધર્યો હતો. આ સરવે બાદ મુખ્યમંત્રીએ ખેતીમાં થયેલ નુકસાન સંદર્ભે કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી છે. આ 3700 કરોડના કૃષિ સહાય પેકેજથી રાજ્યના 27 લાખ ખેડૂતોને સહાય મળશે એવી જાહેરાત કરવામાં આવી છે.
પેકેજ અંતર્ગત 33 ટકા કે તેથી વધુ નુક્સાનીના કિસ્સામાં વધુમાં વધુ 2 હેકટર માટે 10 હજાર રૂપિયા પ્રતિ હેકટર ચૂકવાશે. ખેડૂત ખાતેદાર ગમે તેટલી ઓછી જમીન ધરાવતો હોય પણ ઓછામાં ઓછા 5 હજાર ચૂકવાશે. રાજ્યના 20 જિલ્લાના 123 તાલુકા માટે આ સહાય પેકેજ હોવાનું જણાવ્યું હતું. જોકે આ સહાય પેકેજમાં નવસારી જિલ્લાના કુલ 6 તાલુકામાંથી 1 જ જલાલપોર તાલુકો જ સમાવવામાં આવ્યો છે.
જોવા જેવી બાબત તો એ છે કે ડાંગ જિલ્લામાં એક પણ તાલુકાનો કૃષિ સહાય પેકેજમાં સમાવેશ કરાયો ન હતો. નવસારી જિલ્લાના મહત્તમ તાલુકાનો સમાવેશ સહાય પેકેજમાં ન કરાતા ખેડૂતો તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં નારાજગી બહાર આવવા લાગી છે. આ નહી સમાવાયેલ તાલુકાનો પણ પેકેજમાં સમાવેશ કરવાની રજૂઆત શરૂ થઈ છે.
વાંસદા તાલુકા ભાજપે પણ કૃષિ મંત્રી ફળદુને રજૂઆત કરી છે. ભાજપે જણાવ્યું કે તાલુકાના ગામોમાં ડાંગરના પાકને નુકસાની થઈ છે અને કેટલાક વિસ્તારમાં તો 40 ટકા કરતા પણ ઓછો પાક થાય એમ છે. આ સ્થિતિમાં સરવે કરી આ વિસ્તારના ખેડૂતોને પાકના નુકસાનીનું વળતર મળે તેવી રજૂઆત ભાજપ પ્રમુખ મણીલાલ પટેલ, મહામંત્રી રસિક ટાંક, સંજય બિરારીએ કરી છે.
વીતેલા 2019ના વર્ષમાં પણ સરકારે 3995 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું. ગત વરસે નવસારી જિલ્લામાં રેકોર્ડ બ્રેક 34 કરોડ રૂપિયા ઉક્ત પેકેજ અંતર્ગત વહેંચાયા હતા. અને 41 હજારથી વધુ જિલ્લાભરના ખેડૂતોને સહાય ચૂકવાઈ હતી.
કૃષિ સહાય પેકેજની મુખ્યમંત્રીએ જાહેરાત તો કરી પરંતુ તે અંગેનો વિસ્તૃત પરિપત્ર હજુ જિલ્લ કક્ષાએ ન આવ્યાનું જાણવા મળે છે. આ સ્થિતિમાં નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકા સિવાયના તાલુકામાં 33 ટકાથી વધુ નુકસાની થયેલા પાકને સહાય કેટલી મળશે, તે સ્પષ્ટ થયું નથી. જલાલપોર તાલુકામાં પણ કુલ લાભાર્થી અંગે હજુ ચિત્ર સ્પષ્ટ દેખાય રહ્યું નથી.
નવસારી જિલ્લામાં માત્ર જલાલપોર તાલુકામાં જ કૃષિ પાકને વરસાદથી નુકસાન થયું છે એવું નથી જિલ્લાના તમામ તાલુકામાં નુકસાની થઈ છે. તેથી અન્ય તાલુકામાં પણ સહાય મળવી જોઈએ. બીજુ કે હાલ 3 દિવસથી પડી રહેલા વરસાદના કારણે જ્યાં ડાંગર તૈયાર થઈ ગયું છે ત્યાં નુકસાની થઈ છે આ બાબતને સરકારે ધ્યાનમાં લેવી જોઈએ. #પ્રમુખ- નવસારી જિલ્લા ખેડૂત સમાજ.