આપણે અવાર નવાર દેશના નેતાઓને પોતાના ભાષણમાં ગુજરાત મોડલનો ઉલ્લેખ કરતાં જોયા અને સાંભળ્યા છે. તેમના વક્તવ્યમાં મોટાભાગે એવું સાંભળવા મળે છે કે ગુજરાત દેશના તમામ રાજ્યોમાં સર્વશ્રેષ્ઠ છે. એક ગુજરાતી તરીકે મને ગુજરાતનું ગૌરવ છે પણ ગુજરાત મર્યાદાઓને હું અવગણી  શકુ નહીં. ગુજરાતમાં ખરેખર સુશાસન અને લોકો ભય રહિત જીવી રહ્યા છે તેવું આપણે માનીએ તો તે આપણો ભ્રમ છે. જો ભય રહિત શાસન છે તેવું જે નેતાઓ અને પોલીસ અધિકારીઓ એવું માને છે તેમણે પોતાની છાતી પર હાથ મુકીને પુછવું જોઈએ કે આપણે દિવસમાં સાદો કોલ કરવાને બદલે કોને કેટલી વખત વોટ્સએપ કોલ કરી પરિવારની ચિંતાથી મુક્ત બનવાનો પ્રયાસ કરીએ છીએ.

આજે ગુજરાતમાં આવી જ સ્થિતિ શિક્ષણ અને આરોગ્યમાં પણ છે. ગ્રાન્ટેડ શાળાઓ બંધ થતી ચાલી છે અને સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ્સની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. માતા પિતા અને વાલીઓ પોતાના સંતાનની એક વર્ષની ફી ભરે છે તેના કરતાં અડધી રકમમાં તેમનું સમગ્ર શિક્ષણ પુરુ થઈ ગયું હતું. તેવી જ રીતે સરકારી હોસ્પિટલ જે સામાન્ય માણસ માટે જ છે પણ તે હોસ્પિટલમાં જતાં સામાન્ય માણસને ડર લાગે છે. જ્યાં જીવન મળવાનું છે ત્યાંથી મોત મળશે તેવી આશંકા આપણને થાય છતાં તેને આપણે ગુજરાત મોડલ કહીએ છીએ. ગુજરાતના નેતાઓ રસ્તા ઉપર કોરોના કાળમાં પણ રાજકીય રેલી કાઢી શકે પણ બેરોજગાર વ્યક્તિ નોકરી માટે અને ખેડૂત પોતાના પાકવીમા માટે જો રસ્તા ઉપર ઉતરે તો તેમની 144 કલમ અંતર્ગત અટકાયત કરવામાં આવે, તો આ પણ આપણું ગુજરાત મોડલ છે. આપણી નબળાઈઓ તથા નિષ્ફળતાનો સ્વિકાર જ આપણને એક નવી સવાર તરફ લઈ જશે.

નિર્ણય આપણો છે કે હાલનું ગુજરાતના મોડલને આપણે ચલાવ્યે રાખવું છે કે ગુજરાત મોડલમાં ફેરફાર કરી એક નવા ગુજરાત તરફ પગલાં ભરવા છે.