ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમ માંથી 23 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે. નર્મદામાં છોડવામાં આવેલા પાણીને કારણે વડોદરા, ભરૂચ અનેનર્મદાના 52 ગામને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. બીજી તરફ નર્મદા વધેલા વહેણના લીધે ગરુડેશ્વર નજીક આવેલા નર્મદેશ્વર મહાદેવ મંદિરેમંદિર પાણીમાં ધરાશાયી થયું છે લોકો નું માનવું છે કે નદીના પાણીથી આસપાસની જમીન પોચી બની જતાં મંદિરે જળસમાધી લીધી છે. નર્મદામાં છોડવામાં આવેલા પાણીને કારણે નદીનું પાણી મંદિર સુધી પહોંચી ગયું હતું. આ મંદિર પાણીમાં ધરાશાયી થયું તેના લાઇવ દ્રશ્યો કેમેરામા કેદ થઈ ગયા હતા.
આ પાણીના કારણે બાજુમાં આવેલી કોલોનોમાં પણ પાણી ફરી વળ્યું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે સવારે મંદિર પાણીમાં વહી ગયું છે. બાજુમાં આવેલું દત્ત મંદિર પણ ખતરામાં છે. મંદિરની બાજુમાંથી માટીનું ધોવાણ થઈ રહ્યું છે. બીજી તરફ નર્મદા નદીમાં પાણી છોડવાને કારણે નર્મદા જિલ્લામાં 200 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ઉપરવાસમાંથી 10 લાખ 15 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ડેમના 23 દરવાજા ખોલીને ડેમમાંથી 9 લાખ 54 હજાર ક્યુએક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમની સપાટી 132.58 મીટરે પહોંચી છે. નર્મદા નદીમાં પૂરની સ્થિતિ નિર્માણ પામતા વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 52 ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
જ્યારે બીજી તરફ નર્મદામાં પૂરને કારણે અકતેશ્વર પુલના પીલરનું ધોવાણ થયું હતું. પુલના પિલરો ધોવાતા તિલકવાડા, દેવલિયા, છોટા ઉદેપુરથી રાજપીપળા જતા વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે. હવે નવા ગોરા પુલ તરફથી વાહનો ફરીને જશે. બીજી તરફ આ રોડ પર ટ્રાફિક વધે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને અહીં પોલીસ મૂકી દેવામાં આવી છે. સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.લોકોની પરેશાનીથી અજાણ બની તંત્ર ઠરીઠામ થઇ બેઠું છે એવું લાગી રહ્યું છે.
By: ચિરાગ તડવી