પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું 84 વર્ષની વયે નિધન થયું છે. આમાંથી 60 વર્ષનું આયુષ્ય તો તેમણે રાજકીય ક્ષેત્રમાં જ અર્પણ કર્યું છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન કેન્દ્રીય વિદેશ, સંરક્ષણ, વાણિજ્ય અને નાણાં મંત્રાલય જેવા વિભાગો સંભાળ્યા હતા.  તેઓ પાંચ વખત રાજ્યસભા અને બે વખત લોકસભા સાંસદ રહી ચૂકેલા પ્રણવદા રહી ચુક્યા હતા અને 77 વર્ષની વયે રાષ્ટ્રપતિ બન્યા.

તેમણે  પોતાના કેરિયરની શરૂવાત 1963માં કોલકાતાના પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ ઓફિસમાં એક અપર ડિવિઝન ક્લાર્કથી કરી. ત્યારબાદ તેમણે વિદ્યાનગર કોલેજમાં પોલિટિકલ સાયન્સના મદદનીશ અધ્યાપક તરીકે જોડાયા. રાજકારણમાં ઝંપલાવતા પહેલાં પ્રણવદાએ દેશર ડાક (માતૃભૂમિનો પોકાર) મેગેઝિનમાં પત્રકારનું જીવન પણ જીવ્યા. એક મુલાકાત દરમિયાન ઈન્દિરા ગાંધી 1969માં પ્રણવ મુખરજીની કાબેલિયતને પારખી ગયા હતા અને કોંગ્રેસમાં જોડાવાની ઓફર કરી હતી. પ્રણવદા આ ઓફર સ્વીકારી અને રાજ્યસભાના સાંસદ બન્યા. તે પછી તેઓ 1975, 1981, 1993 અને 1999માં રાજ્યસભામાં ચૂંટાયા હતા.

જયારે તેઓ 1973માં ઈન્દિરા ગાંધીની કેબિનેટમાં પહેલીવાર મંત્રી બન્યા ત્યારે તેમને મહેસૂલ અને બેન્કિંગ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો સોંપાયો હતો.પ્રણવ પહેલીવાર ઈન્દિરા ગાંધીની સરકારમાં 15 જાન્યુઆરી 1982થી 31 ડિસેમ્બર 1984 સુધી નાણામંત્રી રહ્યા હતા. ત્યારબાદ મનમોહનસિંઘની સરકારમાં 24 જાન્યુઆરી 2009થી 26 જૂન 2012 સુધી નાણામંત્રી રહ્યા હતા.

ઈન્દિરા ગાંધીની હત્યા પછી પ્રણવદા સાથે રાજીવ ગાંધીના મતભેદો વધવા લાગ્યા અને રાજીવે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. ત્યારબાદ પ્રણવદાએ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસની સ્થાપના કરી અને થોડા સમય પછી, 1989માં તે પાર્ટીનું કોંગ્રેસમાં વિલિનીકરણ થઇ ગયું.

સોનિયા ગાંધીએ 15 જૂન, 2012ના રોજ પ્રણવદાને યુપીએના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જાહેર કર્યા અને પ્રણવ મુખરજીએ 25 જુલાઈ, 2012ના રોજ દેશના 13મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તત્કાલીન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ એચ કાપડિયાએ મુખરજીને શપથ અપાવ્યા હતા. તેઓ 25 જુલાઈ, 2017 સુધી આ હોદ્દા પર રહ્યા હતા.

8 ઓગસ્ટના દિને તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદેભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા, પ્રણવદાની દિકરી શર્મિષ્ઠા મુખરજીએ 12 ઓગસ્ટે લખ્યું કે ગત વર્ષે 8 ઓગસ્ટ મારી જિંદગીનો સૌથી વધુ ખુશીનો દિવસ હતો, જ્યારે મારા પિતાને ભારત રત્ન મળ્યો હતો. બરાબર એક વર્ષ બાદ તે બીમાર થયા હતા અને સતત બીમારી સાથે ઘેરાયેલા રહ્યા અને આજ રોજ પોતાનું જીવન સંકેલી અંનત યાત્રા તરફ પ્રયાણ કરી ગયા.