વલસાડ: દેશનાં વડાપ્રધાનશ્રી અવારનવાર કહે છે કે, આપણો દેશ સૌથી યુવાન દેશ છે. યુવાઓમાં અપાર શક્તિ છે. એક યુવાન ધારે તે કરી શકે છે, એક ભણેલો સો ને ભણાવે જેવી કહેવતો આપણે સાંભળીએ છે પરંતુ આ વાતને હકીકતમાં વલસાડ તાલુકાના ગુંદલાવ ગામના વતની અને હાલમાં ધરમપુરના ખોબા ગામને વિકસિત ગામની ઓળખ આપનાર નિલમભાઈ પટેલે સાર્થક કરી યુવાધનને નવી દિશા આપી છે.

ગુજરાત વિદ્યાપીઠમાંથી એમ.એ. અને એમ.ફિલની ઉચ્ચ ડિગ્રી મેળવી નિલમભાઈ સરકારી ખાતામાં અધિકારી તરીકે અથવા તો કોર્પોરેટ કંપનીમાં લાખો રૂપિયાના પેકેજની નોકરી કરી શકયા હોત પરંતુ કંઈક અલગ જ કરવાની ભાવના અને ગાંધીજીના વિચારોથી પ્રેરાઈને નિલમભાઈ ગ્રામ શિલ્પી બન્યા અને ધરમપુર તાલુકાના દુર્ગમ વિસ્તારમાં આવેલા ખોબા ગામમાં સેવા કાર્યોની ધૂણી ધખાવી જે આજપર્યંત ઝળહળી રહી છે. માત્ર ૧૦ જ વર્ષમાં તેમણે ખોબા ગામની કાયાપલટ કરી નાંખી છે. તો વિશ્વ આદિવાસી દિવસ પૂર્વે આવો જાણીએ કે, એક આદિવાસી યુવાને ખોબા ગામ અને તેની આસપાસના ગામોમાં વસતા હજારો આદિવાસીઓનું જીવન કેવી રીતે સમૃધ્ધ બનાવ્યું, સફળતાના શિખર સુધી પહોંચવામાં કેટલી વિષમ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો તેની કહાની તેમના જ શબ્દોમાં….

હું સૌ પ્રથમ જ્યારે આ ગામમાં આવ્યો હતો ત્યારે ગામના લોકોને શરૂઆતમાં એમ જ લાગતું કે, આ વળી આપણા ગામમાં શું સુધારા કરવાનો. કેટલાક તો એમ પણ કહેતા કે, આટલું ભણ્યા પછી શું આવુ સાવ બાવા જેવું જીવન જીવવાનું, પરંતુ કોઈની વાતથી માઠુ ન લગાવી સેવાકીય પ્રવૃતિ ચાલુ રાખી. શરૂઆત ૨૦૦૭માં ગ્રામ શિલ્પી યોજનાથી કરી, એક વર્ષ ગુંદિયા ગામમાં કામ કર્યું પરંતુ એ ગામ રસ્તા પરનું અને થોડી ઘણી સુવિધાઓ હતી, એટલે હું ૨૦૦૮ માં ખોબા ગામ પહોંચ્યો ત્યાં એક વર્ષ કામ કર્યા બાદ બીજા પણ સેવાકીય કામો કરવા હતા એના માટે આર્થિક સહાયની જરૂર જણાઈ પરંતુ એના માટે ટ્રસ્ટ રજીસ્ટર હોય તો દાતાઓ દ્વારા દાન મળે એ ન હતું એટલે વિચાર આવ્યો કે, એક ટ્રસ્ટ બનાવું પછી જ અન્ય સેવાકીય કાર્યો થઈ શકશે.

એટલે તા. ૧૫ જુલાઈ ૨૦૦૯ના રોજ લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટની રચના કરી ગામમાં શિક્ષણક્ષેત્રે પાયો નાંખવા લોક મંગલમ વિદ્યાપીઠની પણ સ્થાપના કરી, એક સરસ મજાનું પુસ્તકાલય પણ બનાવ્યું, ત્યાર બાદ ખેતી કાર્યો હાથ ધર્યા, ખોબા ગામના લોકોને ફળની વાવણી, છોડનું વાવેતર, શાકભાજી ઉગાડવા,જળ, જંગલ, જમીન બચાવ માટે વૃક્ષારોપણ, તળાવ – કૂવાનું ખોદકામ, ચેક ડેમનું બાંધકામ, બોરવેલ- કૂવાનું રિચાર્જકામ, વગેરે કાર્યોમાં લોકોને જોડ્યા, જેથી તેઓ ગામમાં જ રહીને આર્થિક રીતે પગભર થાય એવો ધ્યેય હતો.

આ કાર્ય કરવા માટે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી કારણ કે,અહીંની જમીન ઢોળાવવાળી હોવાથી ખેતી કરે અને વરસાદ આવે એટલે જમીનનું ઘોવાણ થઈને જમીનની માટી નીચે આવી જાય, તે માટે ઢોળાવવાળી જમીન પર પથ્થરોની પાળ બાંધવાની યુક્તિ અજમાવી, જેથી કરીને જ્યારે વરસાદ આવે અને જમીનનું ઘોવાણ થાય ત્યારે માટી નીચે આવીને પથ્થરની પાળ પર અટકી જાય અને દિવસો જતા આ ઢોળાવવાળી જમીન સમતલ થવા લાગી, અને ત્યાં હવે સફળ ખેતી થાય છે. ગામમાં પાણીની મુશ્કેલી પહેલાથી હતી, જેથી ચેક ડેમ બંધાવતા વસાદનું પાણી સંગ્રહ થાય છે, જે વર્ષ દરમિયાન ગામના લોકો ઉપયોગ કરી શકે છે.

હવે ગામમાં બારેમાસ પાણી પુરતા પ્રમાણમાં મળી રહે છે. ખોબા ગામમાં આરોગ્યની સુવિધા માટે માત્ર એક કે બે રૂપિયાની નજીવી કિંમતે દવાખાનામાં દર્દીઓને દવા અને સારવાર આપવામાં આવે છે. અંધારામાં રહેતા ગ્રામજનોના જીવનમાં અજવાળુ પાથરવા ગામમાં વિજળી લાવવામાં સફળતા મળી. આ તમામ સેવાના કાર્યો મિત્રોના સાથ સંગાથથી આગળ વધ્યા છે. વિકાસના પંથે ચાલતા ૧ એકર જમીન પણ દાનમાં મળી, જયાં ગામની મદદથી નવું મકાન બાંધ્યું છે. આ મકાનની ખાસિયત એ છે કે આ મકાનમાં બાંધકામમાં ઉપયોગમાં લેવાયેલા લાકડા ગામના એક-એક ઘરમાંથી આવ્યા છે.

વર્ષ ૨૦૦૯થી લઈને વર્ષ ૨૦૧૯ સુઘીમાં ખોબા ગામની શકલ સંપૂર્ણ બદલાય ચૂકી છે, જો કોઈ વ્યક્તિ ૨૦૦૯માં ખોબા આવ્યો હોય અને હવે પ્રવેશ કરે તો કદાચ તેને એમ ચોક્કસ લાગશે કે તે ક્યાંક ભુલો તો નથી પડ્યો ને. જ્યાં લોકો પીવાના પાણીના પણ વલખા મારતા હતા, ત્યાં આજે બારેમાસ ચોખ્ખુ પીવાનું પાણી મળે છે. જ્યાં લોકો એક સમયમાં શિક્ષણથી વંચિત હતા, ત્યાં આજે બાળકો પુસ્તકાલયમાં વાંચતા નજરે પડે છે, જ્યા એક સમયે છતી જમીને ખેતી નહોતી થઈ શકતી ત્યાં ખેતી કરી ગામના લોકો સ્વનિર્ભર બન્યા છે. મારી સાથે અનેક લોકો હવે સમાજ કાર્યોમાં જોડાયા છે.

વર્ષોના સંઘર્ષ અને જાત મહેનત સાથે ખોબા જેવડા ખોબા ગામને અનેક સુવિધાઓથી સજ્જ કરી સમગ્ર ગામને પગભર કરવામાં સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે, આ માત્ર એક બે વર્ષની મહેનત નથી, પરંતુ નિલમભાઈએ પોતે ઘસાઈને બીજાને ઊજળા કર્યા તેની મહેનતનું પરિણામ છે. હાલ તેમના ગ્રામ વિકાસના કાર્યોની મહેક ધરમપુરના ૧૦૮ ગામમાં પ્રસરતા લોકો સ્વયંભૂ તેમના સેવા યજ્ઞમાં જોડાઈ રહ્યા છે.