આંતરરાષ્ટ્રીય: રશિયાએ આખરે યુક્રેન પર પૂર્ણ સ્તરનું યુદ્ધ શરૂ કરી દીધું છે. જોકે, આ હુમલાથી સમગ્ર વિશ્વમાં રશિયા પ્રત્યે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. વધુમાં આખા યુરોપે રશિયા પર અસાધારણ આર્થિક પ્રતિબંધો લાદવાની તૈયારી કરી લીધી છે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્તોનિયો ગુતારેસ, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ તેમજ યુરોપના અન્ય દેશોએ રશિયાના આક્રમણની ઝાટકણી કાઢી હતી. યુરોપીયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને આ હુમલાને એક સ્વતંત્ર દેશ પર ‘બર્બરિક આક્રમણ’ ગણાવ્યું છે, જેણે યુરોપમાં સ્થિરતા અને સમગ્ર આંતરરાષ્ટ્રીય શાંતિ જોખમાવી દીધી છે. યુરોપીયન યુનિયનની વિદેશ નીતિના વડા જોસેફ બોરેલે જણાવ્યું હતું કે, અમે અત્યંત આકરા પ્રતિબંધો લાદીશું. અમે રશિયા માટે મહત્વના ટેક્નોલોજી અને બજારોના એક્સેસ અટકાવીને રશિયન અર્થતંત્રના વ્યૂહાત્મક સેક્ટર્સને નિશાન બનાવીશું. અમે યુરોપીયન યુનિયનમાં રશિયન અસ્કયામતો જપ્ત કરી લઈશું અને રશિયન બેન્કોનો યુરોપીયન નાણાકીય બજારો સાથેનો વ્યવહાર અટકાવી દઈશું.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ટાળવા અંતિમ ઘડી સુધી પ્રયાસ કરનારા ફ્રેન્ચ પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોંએ કહ્યું હતું કે ફ્રાન્સ યુદ્ધ અંગેના રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનના નિર્ણયની આકરી ટીકા કરે છે અને યુક્રેનને સંપૂર્ણ સહયોગની ખાતરી આપે છે. શાંતિ મંત્રણા માટે પ્રયાસ કરનારા અન્ય એક દેશ જર્મનીના ચાન્સેલ ઓલાફ સ્કોલ્ઝે રશિયન હુમલાની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, યુક્રેન માટે આ એક ભયાનક દિવસ છે અને યુરોપ માટે આજે ‘કાળો દિવસ’ છે. રશિયાનું આક્રમણઆંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ છે. તેને કોઈ પણ રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં.

સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ એન્તોનિયો ગુતારેસે જણાવ્યું કે, રશિયન પ્રમુખ પુતિનની યુક્રેનમાં વિશેષ સૈન્ય અભિયાનની જાહેરાત ‘મારા કાર્યકાળની સૌથી દુઃખદ ક્ષણ’ છે. મેં સુરક્ષા પરિષદની આ બેઠકની શરૂઆતમાં રશિયન પ્રમુખ પુતિનને સંબોધિત કરતા કહ્યું કે તેઓ તેમના સૈનિકોને યુક્રેન પર આક્રમણ કરતાં રોકે, શાંતિનો માર્ગ પસંદ કરે, કારણ કે પહેલાં જ અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. આ બેઠક ચાલતી હતી તેવા સમયે જ પુતિને ડોનબાસમાં વિશેષ સૈન્ય અભિયાનની જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, પુતિન માનવતાના નામે તેના સૈનિકોને પાછા બોલાવે. આ યુદ્ધના પરિણામ ભયાનક હોઈ શકે છે અને તે માત્ર યુક્રેન માટે જ નહીં, રશિયા માટે પણ વિશાનક સાબિત થશે.

બીજીબાજુ નાટોના સભ્ય લિથુઆનિયાએ ઈમર્જન્સી જાહેર કરી છે.ચીન સિવાય સમગ્ર દુનિયાએ યુક્રેન પર રશિયાના આક્રમણની આકરી ટીકા કરી હતી અને રશિયા પર આકરા પ્રતિબંધો લાદવાની તૈયારી દર્શાવી છે. દક્ષિણ કોરિયાથી ઓસ્ટ્રેલિયા અને યુરોપ સુધી સરકારો પુતિનના વિરોધમાં એક થઈ ગઈ છે.