ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન આજે 70 દિવસથી વધુ થયા છે, અને વિદેશ માંથી પણ સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આવી રહી છે, ત્યારે ટ્વિટર વોર ચાલુ થઇ ગયું છે આ ટ્વિટ વોર વચ્ચે ખેડૂત આંદોલન પર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે કરેલા ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર લોકો તેના સમર્થનમાં અને વિરોધમાં પણ છે. મહારાષ્ટ્રના સંભાજી બ્રિગેડ નામના એક સંગઠને સચિને કરેલા ટ્વિટ પર વિરોધ વ્યક્ત કરીને તેની પાસેથી ભારત રત્ન પાછો લેવામાં આવે તેવી માંગણી કરી છે.
સંભાજી બ્રિગેડ સંગઠનનુ કહેવુ છે કે, જે દેશે સચિનને ભરપૂર પ્રેમ આપ્યો છે તે સચિને દેશના ખેડૂતો સામે પોતાની પ્રતિક્રિયા આપી છે. જો ખેડૂત ખેતી નહીં કરે તો સચિન જેવી સેલિબ્રિટી શું ખાશે.. સંભાજી બ્રિગેડનો આરોપ છે કે, ખેડૂત આંદોલનને 70 દિવસ થઈ ગયા બાદ અચાનક સચિનની ઉંઘ ઉડી છે.
તેઓ રાજ્યસભામાં સાસંદ હતા ત્યારે ગૃહમાં હાજર પણ રહેતા નહોતા અને કોઈ સવાલ પણ પૂછ્યો નહોતો અને હવે અચાનક ખેડૂત આંદોલન પર બોલી રહ્યા છે. ભારત રત્ન પ્રાપ્ત કરનાર વ્યક્તિએ ખેડૂત આંદોલનનુ સમર્થન કરવુ જોઈએ ત્યારે સચિન આંદોલનના વિરોધમાં પ્રતિક્રિયા આપી રહ્યા છે. એટલે તેમનો ભારત રત્ન પાછો લેવો જોઈએ.
નોંધનીય છે કે, સચિને પોતાના ટ્વીટમાં કહ્યુ હતુ કે, ભારતની સ્વાયતત્તા સાથે કોઈ સમાધાન થઈ શકે નહી.દેશમાં જે પણ થઈ રહ્યુ છે તેને લઈને દેશ બહારના લોકો દર્શક બની શકે છે પણ તેમને તેમાં માથુ મારવાની જરુર નથી.ભારત માટે શું સાચુ છે તેની સમજ અહીંના નાગરિકોમાં છે અને તેઓ તેનો ઉકેલ લાવવા સક્ષમ છે.