ભારતીય ક્રિકેટ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચુકેલા ફાસ્ટ બોલર અશોક ડિંડાએ નિવૃતિની જાહેરાત કરી છે. મંગળવારે ડિંડાએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃતિ લેવાનો નિર્ણય લીધો છે. કોલકત્તામાં મીડિયાને આ વાતની જાણકારી આપતા તેણે બધાનો આભાર માન્યો છે.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 420 વિકેટ ઝડપનાર આ બોલર હાલમાં સમાપ્ત થયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રહ્યો હતો. ડિંડાએ ભારત તરફથી કુલ 13 વનડે અને 9 ટી20 મેચ રમી છે. વર્ષ 2010મા ઝિમ્બાબ્વે વિરુદ્ધ વનડે પર્દાપણ કરનાર આ બોલરે પોતાની છેલ્લી મેચ 2013માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. વર્ષ 2009મા નાગપુર ટી20થી અશોક ડિંડાએ પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત કરી હતી. પાકિસ્તાન વિરુદ્ધ અમદાવાદમાં 2012માં આ ભારતીય ફાસ્ટ બોલરે અંતિમ ટી20 મુકાબલો રમ્યો હતો.

ડિંડાએ બંગાળની રણજી ટીમ તરફથી ઘરેલૂ ક્રિકેટ મુકાબલોમાં પર્દાપણ કર્યુ હતું. એક દાયકા સુધી બંગાળની ટીમ તરફથી રમ્યા બાદ તેણે ગોવાની ટીમ તરફથી રમવાનો નિર્ણય લીધો હતો. આ સીઝનમાં સૈયદ મુશ્તાક અલીમાં ડિંડાએ ત્રણ મેચ રમી હતી.