પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

મુંબઈથી આશરે 700 કિલોમીટર દૂર યવતમાલ જિલ્લાના એક ગામમાં બાળકોને પોલિયોને બદલે હેન્ડ સિનિટાઇઝર પીવડાવી દેવામાં આવ્યું હતું. અધિકારીઓ તરફથી સોમવારે આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. હકીકતમાં બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવવાના હતા, પરંતુ તેના બદલે તેમને સેનિટાઇઝરના બે-બે ટીપાં પીવડાવી દેવામાં આવ્યા હતા. બનાવ બાદ બાળકોની તબિયત બગડી હતી, બાળકોને ચક્કર આવવા લાગ્યાં હતા અને કેટલાકને ઉલટી થવા લાગી હતી.

મહારાષ્ટ્રમાં યવતમાલ જિલ્લામાં 12 બાળકોને સેનિટાઇઝર પીવડાવી દીધા બાદ આ વાતનું ભાન થતાં તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામ બાળકોની હાલત સારી છે. તમામ બાળકોની ઉંમર પાંચ વર્ષથી ઓછી છે. આ મામલે ત્રણ સ્વાસ્થ્ય કર્મચારીઓ સામે ફરજ ચૂકની કાર્યવાહી કરવામાં આવી છે. આ બનાવ કાપસીકોપરી ગામના ભાનબોરા પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર બની હતી. અહીં પાંચ વર્ષ સુધીના બાળકો માટે પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે.

યવતમાલ જિલ્લા પરિષદના CEO શ્રીકૃષ્ણ પંચાલે જણાવ્યું કે, પાંચ વર્ષથી ઓછી ઉંમરના 12 બાળકોને પોલિયોના બદલે સેનિટાઇઝરના બે ટીપાં પીવડાવી દેવાયા હતા. જે બાદમાં બાળકોને ચક્કર આવવા લાગ્યા હતા અને ઉલટી થવા લાગી હતી. તેમણે જણાવ્યું કે જે બાળકોને ભૂલથી સેનિટાઇઝર પીવડાવી દેવામાં આવ્યું હતું. આ તમામને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, હાલ તે તમામની હાલત સ્થિર છે. બનાવ સમયે સ્વાસ્થ્ય કેન્દ્ર પર એક ડૉક્ટર, એક આંગણવાડી સેવિકા અને એક આશા વર્કર હાજર હતા. આ મામલે ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

યુવતમાલ કલેક્ટર એમ.ડી.સિંહે પીટીઆઈ સાતે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બનાવ રવિવારે કાપસીકોપરી ગામના ભાનબોરા પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં બની હતી. જ્યાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન ચાલી રહ્યું હતું. આ મામલે તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે. જે બાદમાં સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે.