પ્રજાસત્તાક દિવસે એક બાજુ રાજપથ પર પરેડ થઈ જ્યારે બીજી બાજુ ખેડૂતોની ટ્રેક્ટર રેલી પણ શરૂ થઈ ગઈ. દિલ્હી પોલીસે રાજપથવાળી પરેડ ખતમ થયા બાદ ટ્રેક્ટર રેલી કાઢવાની મંજૂરી આપી હતી પરંતુ અનેક જગ્યાઓ પર ખેડૂતોએ બેરિકેડિંગ તોડીને દિલ્હીમાં જબરદસ્તીથી પ્રવેશ કર્યો. સિંઘુ બોર્ડર પર પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો. સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગરમાં પણ ખુબ હોબાળો જોવા મળ્યો. અહીં પ્રદર્શનકારીઓ વોટર કેનનની ગાડી પર ચડી ગયા. દિલ્હીની ત્રણ સરહદો સિંઘુ બોર્ડર, ટિકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ ગયા છે. આ બાજુ ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હોવાના પણ અહેવાલ છે. આ ઉપરાંત ITO પાસે એક DTC બસને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું.

ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ દિલ્હીમાં ITO પાસે એક DTC બસને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું. ખેડૂતોએ પોલીસે લગાવેલા બેરિકેડ્સ તોડી નાખ્યા. જેમાં કિસાનો અને પોલીસ જવાનો પણ ઘાયલ થયા છે

પ્રજાસત્તાક દિવસના અવસરે ખેડૂતો આજે નવા કૃષિ કાયદાના વિરોધમાં ટ્રેક્ટર રેલી કાઢી રહ્યા છે. ખેડૂતોએ ટિકરી બોર્ડર પર પોલીસ બેરિકેડિંગ તોડ્યા. મોટી સંખ્યામાં ટ્રેક્ટર ટ્રોલી લઈને દિલ્હીની અંદર આગળ વધી રહ્યા છે. આ દરમિયાન પોલીસ ડ્રોન દ્વારા નિગરાણી કરી રહી છે.

ગાઝીપુર બોર્ડર પર પણ ખેડૂતોએ બેરિકેડ તોડ્યા છે. ત્યારબાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા. આ સાથે જ ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના પણ સમાચાર છે. વાત જાણે એમ છે કે અક્ષરધામ અગાઉ એનએચ 24 પર પોલીસે બેરિકેડિંગ કર્યું હતું. પરંતુ કેટલાક ખેડૂતો ટ્રેક્ટરો સાથે બેરિકેડિંગ તોડીને દિલ્હીમાં ઘૂસવાની કોશિશ કરવા લાગ્યા. ત્યારબાદ પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કર્યો અને લાઠીચાર્જ કર્યો. ખેડૂતોને ત્યાંથી ખદેડી મૂકવામાં આવ્યા છે.
પોલીસ અધિકારીઓએ ખુબ સમજાવ્યા છતાં ખેડૂતો માન્યા નહીં અને ખેડૂતો પર લાઠીચાર્જ કરવો પડ્યો. આ બધા વચ્ચે ખેડૂતોએ પોલીસની બેરિકેડિંગ તોડીને આઉટર રિંગ રોડ તરફ આગળ વધવાનું શરૂ કરી દીધુ. દિલ્હી પોલીસે ખેડૂતોને ખુબ સમજાવ્યા હતા કે ગણતંત્ર દિવસના અવસરે રાજપથ પર પરેડ બાદ ખેડૂતોને ટ્રેક્ટર રેલીની મંજૂરી અપાઈ છે.