આજે દેશમાં 72માં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે. એક બાજુ રાજપથથી રિપબ્લિક ડે પરેડ નીકળશે જ્યારે બીજી બાજુ દિલ્હી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનો આજે ટ્રેક્ટર રેલી કાઢવાના છે. ગણતંત્ર દિવસ સમારોહ અને ખેડૂતોની પ્રસ્તાવિત ટ્રેક્ટર પરેડને ધ્યાનમાં રાખીને રાજપથ અને રાષ્ટ્રીય રાજધાનીની અનેક સરહદો પર હજારો સશસ્ત્ર સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હીમાં પહેલેથી મલ્ટીલેવલ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઈ છે.
કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોએ કહ્યું કે તેમની ટ્રેક્ટર રેલી મધ્ય દિલ્હીમાં પ્રવેશ નહીં કરે અને તે ગણતંત્ર દિવસ પર થનારી અધિકૃત પરેડના સમાપન બાદ જ શરૂ થશે. સંગઠને દાવો કર્યો છે કે તેમની પરેડમાં લગભગ બે લાખ જેટલા ટ્રેક્ટર સામેલ થશે તેવી આશા છે અને તે સિંઘુ બોર્ડર, ટિકરી બોર્ડર તથા ગાજીપુર બોર્ડરથી થશે.

ગણતંત્ર દિવસના અવસરે દર વર્ષે મોરચો સંભાળનાર દિલ્હી પોલીસ સામે કદાચ પહેલીવાર આવી સ્થિતિ સર્જાઈ છે. ગણતંત્ર દિવસની પરેડ ખતમ થયા બાદ પણ દિલ્હી પોલીસને શાંતિ નહીં રહે. રાજપથની પરેડ ખતમ થયા બાદ પોલીસે ચોક્કસાઈ વર્તવી પડશે કારણ કે પછી ખેડૂતોની ટ્રેક્ટર પરેડ શરૂ થશે. ખેડૂતોની ટ્રેક્ટર પરેડ બપોરે શરૂ થઈને મોડી સાંજ સુધી ચાલે તેવી આશા છે.

એક અધિકારીના જણાવ્યાં મુજબ ગણતંત્ર દિવસ સમારોહને ધ્યાનમાં રાખીને લગભગ 6 હજાર સુરક્ષાકર્મીઓની તૈનાતી કરાઈ છે. શંકાસ્પદ લોકોની ઓળખ કરવા માટે દિલ્હી પોલીસની ચહેરાથી ઓળખ કરનારી પ્રણાલીને પણ યોગ્ય સ્થળો પર સ્થાપિત કરાઈ છે. તેમણે જણાવ્યું કે કોરોનાને ધ્યાનમાં રાખીને લોકોની તપાસ કરનારા કર્મીઓ પણ પીપીઈ કિટ પહેરેલા હશે અને માસ્ક તથા ફેસ શિલ્ડ લગાવેલા જોવા મળશે.

ગણતંત્ર દિવસની પરેડના માર્ગ પર નજર રાખવા માટે ઊંચી ઈમારતો પર શાર્પ શૂટર્સ અને સ્નાઈપર્સને તૈનાત કરાયા છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ ગણતંત્ર દિવસ સમારોહ અને પ્રસ્તાવિત ટ્રેક્ટર પરેડ દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે શહેર અને નગરની આસપાસ 5 સ્તરની સુરક્ષા કવર તૈનાત કરાઈ છે.