ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય ચૂંટણી આયોજના કમિશ્નર સંજય પ્રસાદે સમગ્ર પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. જેમાં તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે જાહેરાત કરી હતી. ગુજરાતમાં 6 મહાનગરપાલિકા 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અંગેની જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની સ્થિતીને ધ્યાને રાખતા 12 તારીખે 3 મહિના માટે ચૂંટણી મોકુફ રાખવામાં આવી હતી.

નવી મતદાર યાદી 5 જાન્યુઆરીએ જાહેર કરી હતી, દરેક જિલ્લાને ઇવીએમ મોકલવા માટે ઓર્ડર કર્યા હતા. ચૂંટણી પંચ પાસેથી 3000 ઇવીએમ મંગાવવામાં આવ્યા હતા. પ્રાથમિક પરિક્ષણ પણ 12 જાન્યુઆરીથી ચાલુ કરવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારીઓનાં ઓર્ડર પર 7 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી સુધીમાં કરવામાં આવ્યા હતા. ચૂંટણી યોજવા માટે સીમાંકન અંગે જિલ્લાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ કલેક્ટર સાથે ચર્ચા કરીને સીમાંકન અને ક્ષેત્ર આરક્ષણ માટે ચર્ચા કરી હતી. મ્યુનિસિપલ કમિશ્નરો સાથે પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ કોઓર્ડિનેશન કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં કોરોનાની સ્થિતીને ધ્યાનમાં રાખીને રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં આયોજીત થશે. જેમાં પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકાઓ અને ત્યાર બાદ નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી યોજાશે. 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેનું પરિણામ 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓનું 28 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 2 માર્ચે તેનાં પરિણામની જાહેરાત થશે.