નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125 મી જયંતિને કેન્દ્ર સરકાર દ્વારા પરાક્રમ દિવસના રૂપમાં ઉજવી રહી છે. ત્યારે કોલકાતામાં વિક્ટોરિયા મેમોરિયલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની નારાજગી એકવાર ફરી સામે આવી છે. કાર્યક્રમમાં જય શ્રીરામના નારા લાગવાથી નારાજ મમતા બેનર્જીએ બોલવાનો ઇનકાર કરી દીધો હતો. મમતા બેનર્જીએ માત્ર એક મિનિટ ભાષણ આપ્યું અને મંચ પરથી નીચે ઉતરી ગયા હતા. હકીકતમાં જ્યારે મમતા બેનર્જી પોતાના સંબોધન માટે મંચ તરફ આગળ વધ્યા, આ દરમિયાન ત્યાં હાજર લોકોએ જય શ્રીરામની નારેબાજી શરૂ કરી હતી. મંચ પર પ્રધાનમંત્રી મોદી પણ હાજર હતા.

કાર્યક્રમમાં નારાજ મમતા બેનર્જીએ કહ્યું કે, સરકારી કાર્યક્રમને રાજકીય કાર્યક્રમ બનાવી દીધો છે. કોઈનું અપમાન કરવું યોગ્ય નથી. મમતાએ કહ્યું- સરકારના કાર્યક્રમની ગરિમા હોવી જોઈએ. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી. તમે કોઈને આમંત્રિત કર્યા બાદ તેનું અપમાન કરવું શોભા આપતું નથી. મમતા બેનર્જીએ કોલકત્તામાં કાર્યક્રમ આયોજીત કરવા માટે પીએમ મોદી અને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયનો આભાર પણ માન્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું કે, વિરોધના રૂપમાં હું કંઈ બોલીશ નહીં. ત્યારબાદ તેઓ જય હિંદ-જય બાંગ્લા બોલીને મંચ પરથી નીચે ઉતરી ગયા હતા. આ પહેલા

આપને જણાવી દઈએ કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જીની નારાજગી આ પહેલા પણ સામે આવી ચુકી છે. મમતા બેનર્જીએ ઘણીવાર કેન્દ્રની નીતિઓનો ખુલ્લો વિરોધ કર્યો છે. આ પહેલા જય શ્રીરામના નારાને લઈને મમતા બેનર્જી સહિત ટીએમસીના ઘણા નેતા વિરોધ નોંધાવી ચુક્યા છે. ટીએમસીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં જય શ્રીરામની નારેબાજી ચાલશે નહીં.