નવા કૃષિ કાનૂનો સામે પ્રદર્શન કરી રહેલા કિસાન સંગઠનોને બધા પ્રાસંગિક મુદ્દા પર આગામી રાઉન્ડની વાતચીત માટે સરકારે 30 ડિસેમ્બરે બોલાવ્યા છે. સરકાર દ્વારા સોમવારે ઉઠાવેલા આ પગલાનો ઉદ્દેશ્ય નવા કાનૂનો પર ચાલી રહેલા ગતિરોધનું એક તાર્કિક સમાધાન કાઢવાનું છે. આ પહેલા ખેડૂત સંગઠનોએ ગત સપ્તાહે 29 ડિસેમ્બરે એક પ્રસ્તાવ આપ્યો હતો. જે પછી સરકારે તેમને આમંત્રિત કર્યા હતા. કૃષિ સચિવ સંજય અગ્રવાલે ખેડૂત સંગઠનોને લખેલા એક પત્ર દ્વારા તેમને નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 30 ડિસેમ્બરે બપોરે વાતચીત માટે આમંત્રિત કર્યા છે. કેન્દ્ર અને 40 પ્રદર્શનકારી કિસાન સંગઠનો વચ્ચે અત્યાર સુધી પાંચ રાઉન્ડની વાતચીત થઈ છે. જેમાં કોઈ નિરાકરણ આવ્યું નથી.

કૃષિ સચિવ સંજય અગ્રવાલે કહ્યું કે સરકાર એક સ્પષ્ટ ઇરાદા અને ખુલ્લા મનથી બધા પ્રાસંગિક મુદ્દાનું એક તાર્કિક સમાધાન કરવા માટે પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનાથી દિલ્હીની સરહદો પર હજારોની સંખ્યામાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ ત્રણ નવા કૃષિ કાનૂનોને પાછા લેવાની માંગણી કરી રહ્યા છે. આ ખેડૂતોમાં મોટાભાગના પંજાબ અને હરિયાણાના છે.

આ પહેલા 26 ડિસેમ્બરે સંયુક્ત કિસાન મોર્ચાએ (SKM) સરકારના પ્રસ્તાવ પર બેઠક પછી કહ્યું કે તેમણે 29 ડિસેમ્બરે સવારે 11 વાગે કેન્દ્ર સાથે વાતચીત પ્રસ્તાવિત કરી છે. આ સાથે કિસાન સંગઠનોએ સરકારને પત્ર લખીને ફરીથી કૃષિ કાનૂનને રદ કરવાની માંગણી કરી છે. હવે સરકાર તરફથી આ બેઠક 30 ડિસેમ્બરે નક્કી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.