કોરોના કાળમાં એક તરફ મોંઘવારી સતત વધી રહી છે, ત્યારે તેની અસર ઈન્ટર્ન ડૉક્ટરો પર પણ થઈ રહી છે. ઈન્ટર્ન ડૉક્ટરો પોતાને મળતા સ્ટાઈપેન્ડની રકમ વધારવાની માંગ સાથે આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યાં છે. ઈંટર્ન તબીબોએ પોતાનું સ્ટાઈપેન્ડ 13 હજારથી વધારી 20 હજાર કરવાની માંગ કરી છે.

મળતી માહિતી મુજબ, ગુજરાતની સરકારી તેમજ GEMERS અને મ્યુન્સિપલ કોલેજના ઈન્ટર્ન ડૉક્ટરોને હાલ 13 હજાર જેટલુ સ્ટાઈપેન્ડ આપવામાં આવી રહ્યું છે. જેની રકમ વધારીને 20 હજાર કરવાની માંગ સાથે અંદાજે 2 હજાર જેટલા ઈન્ટર્ન તબીબો હડતાળ પર ઉતર્યાં છે. ઈન્ટર્ન ડૉક્ટરોની હડતાળના પગલે કોરોના સંક્રમિત દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે. હડતાળ પર ઉતરેલા ઈન્ટર્ન તબીબોની માંગ છે કે, તેમને દરમહિને 20,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવે. આટલું જ નહીં આ નવા સ્ટાઈપેન્ડની અમલવારી એપ્રિલ-2020થી કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, ઈન્ટર્ન ડૉક્ટરોએ રાજ્યના સ્વાસ્થ્ય વિભાગને 14 ડિસેમ્બર સુધીમાં સ્ટાઈપેન્ડ વધારવાની માંગનો નિકાલ લાવવા માટે રજૂઆત કરી હતી. રાજ્યના ઈન્ટર્ન તબીબોએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, મુંબઈમાં ઈન્ટર્ન તબીબોને 39000 રૂપિયા માસિક સ્ટાઈપેન્ડ અપાય છે, જ્યારે કેરળમાં 30,000નું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવે છે. જેની સામે ગુજરાતમાં  જીવલેણ કોરોના મહામારીના કપરાકાળમાં જીવના જોખમે દર્દીઓની સારવાર કરતા ઈન્ટર્ન તબીબોને મહિને મળતા સ્ટાઈપેન્ડમાં વધારો નહીં કરીને તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.