કોરોના મહામારી વચ્ચે કોરોના રસીના વિતરણ માટે રાજ્યનાં આરોગ્ય વિભાગે પૂરજોશમાં કામ શરૂ કરી દીધું છે. વેક્સિન આપવા માટે ગુજરાતનાં આરોગ્ય વિભાગે આપેલી સૂચના પ્રમાણે 50થી વધુ ઉંમરની વ્યક્તિઓ અને 50 વર્ષની નીચેની વ્યક્તિઓ કે જેઓ અન્ય રોગ ધરાવતા હોય તેમનો ડેટાબેઝ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. આ ડેટાબેઝ માટે આજથી ડોર ટુ ડોર સર્વે શરૂ કરી દેવામાં આવ્યોછે. આજે વહેલી સવારથી અમદાવાદ,વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે.

આ ડેટા બેઈઝ તૈયાર કરવા માટે 10થી 13 ડિસેમ્બરના રોજ મતદાન મથકના વિસ્તાર મુજબ વિવિધ સર્વે ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરી વ્યકિતની ઉંમરથી લઈ તેનો મોબાઈલ નંબર સહિત, તે જો કોઈ પ્રકારના રોગથી પીડાતો હોય તો એની પણ અલગથી નોંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. 14થી 16 ડિસેમ્બર સુધીમાં બે અલગ પ્રકારના ડેટાબેઈઝ તૈયાર કરવા તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેકટર હસ્તકના વિસ્તારો માટે રાજયના આરોગ્ય વિભાગ તરફથી કામગીરી કરવાનો આદેશ અપાયો છે. સૌથી પહેલા આરોગ્ય વિભાગને વેક્સિન આપવામાં આવશે. રસી આપવા માટે તાલુકા નક્કી કરાયા છે.

અમદાવાદમાં AMC હેલ્થ વિભાગના 1000થી વધુ કર્મીઓ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. 13 ડિસેમ્બર સુધીમાં સરવે પૂર્ણ કરી શહેરની ડેટા એન્ટ્રી સાથેની યાદી સરકારમાં મોકલાશે. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કરને રસી અપાશે. તો બીજા તબક્કામાં અન્ય લોકોને રસી આપવાનું એએમસીનું આયોજન છે. વડોદરામાં કોરોના રસી માટે આજથી ડોર ટુ ડોર સર્વે શરૂ કરાયો છે. જિલ્લામાં 1310 ટીમો દ્વારા સરવેની કામગીરી કરાશે. ચૂંટણીની તૈયારીની જેમ સરવેની કામગીરી હાથ ધરવામાં આવશે.