અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાની સત્તાવાર શરૂઆત થઈ રહી છે. મોટેરા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે સિરીઝ રમાવવાની છે. અમદાવાદમાં 2 ટેસ્ટ અને 5 ટી 20 મેચ રમાશે. આ મેચ ફ્રેબ્રુઆરી મહિનામાં શરૂ થવાની છે. 7 ફેબ્રુઆરી એ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરિઝ શરૂ થવાની છે એ પૈકી 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રીજી ડે-નાઈટ ટેસ્ટ મેચ અમદાવાદ ખાતે પિન્ક બોલથી રમાશે જ્યારે ચોથી ટેસ્ટ પણ અમદાવાદમાં જ રમાશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધની તમામ 5 T-20 અમદાવાદ ખાતે જ રમાશે.
વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું ઓપનિંગ 24 ફેબ્રુઆરીના રોજ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યુ હતુ. નવનિર્મિત સ્ટેડિયમની બેઠક ક્ષમતા 1 લાખ 10 હજાર છે. અગાઉ ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ 92 હજારની બેઠક ક્ષમતા સાથે વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ હતું.
મોટેરા સ્ટેડિયમમાં છેલ્લે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ નવેમ્બર 2014માં હોસ્ટ કરી હતી. ત્યારે ભારતે શ્રીલંકાને 275 રન ચેઝ કરતા 6 વિકેટે હરાવ્યું હતું. અંબાતી રાયુડુએ 121 અને શિખર ધવને 79 રનની ઇનિંગ્સ રમી હતી. ત્યારબાદ 50 હજારની બેઠક ક્ષમતા ધરાવતા મોટેરાને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવવા માટે જુના સ્ટેડિયમને ડિમોલીશ કરવામાં આવ્યું હતું.
અત્યાર સુધી વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગણાતું ઓસ્ટ્રેલિયાનું મેલબોર્નની જે આર્કીટેક ડિઝાઇન ફર્મ પોપ્યુલસ દ્વારા ડિઝાઇન થયું હતું તે જ ફર્મ દ્વારા આ સ્ટેડિયમની ડિઝાઇન બનાવવામાં આવી છે. ભારતનું હાલનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કોલકત્તાનુ ઈડન ગાર્ડન જેમાં 66,000 દર્શકો બેસવાની ક્ષમતા છે જ્યારે આ સ્ટેડિયમમાં 1.10 લાખ લોકો બેસવાની ક્ષમતા છે. અંદાજિત 700 કરોડના ખર્ચે બનેલ આ સ્ટેડિયમમાં અંદર જ એક ઈન્ડોર ક્રિકેટ એકેડમી શરૂ કરવામાં આવશે. તમામ સુવિધાઓથી સજ્જ 4 ડ્રેસિંગ રૂમ, 55 રૂમ સાથેનું એક ક્લબ હાઉસ, 76 કોર્પોરેટ બોક્સ તેમજ એક ઓલિમ્પિક સાઈઝનું સ્વિમિંગ પુલ પણ હશે સાથે જ ગ્રાઉન્ડમાં 3 પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યા છે. આ સાથે આ મેદાનની નીચે સબ સર્ફેલ ડ્રેનેઝ સિસ્ટમ બનાવવામાં આવ્યું છે. જેની મદદથી વરસાદ હોવાની સ્થિતિમાં મેદાનને ફરી 30 મિનિટમાં જ તૈયાર કરવામાં આવી શકે.