કેન્દ્રીય કૃષિ કાયદાઓના વિરોધને લઈને ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું છે. એક તરફ ખેડૂત છેલ્લા એક સપ્તાહથી સતત દિલ્હીની બોર્ડર પર એકત્ર થયેલા છે, તો બીજી તરફ દિલ્હી કૂચની તૈયારી લાગેલા ખેડૂતોને મનાવવાના સરકાર તમામ પ્રયાસ કરી રહી છે. બે દિવસ પહેલા ખેડૂત સંગઠનો અને સરકારની વચ્ચે મીટિંગ કોઈ તારણ વગરની રહી હતી. આજે ફરી એકવાર ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે બેઠક મળવાની છે. સરકારનો પ્રયાસ છે કે આજની બેઠકમાં શાંતિપર્ણ રીતે તેનો ઉકેલ આવી જાય. જ્યારે બીજી તરફ ખેડૂતોએ સંસદનું વિશેષ સત્ર બોલાવીને ત્રણેય કાયદાને રદ કરવાની માંગ કરી છે.

દિલ્હી બોર્ડર પર એકત્ર થયેલા હજારો ખેડૂતોએ સરકારની સાથે આજે યોજાનારી બેઠક પહેલા કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને પત્ર લખ્યો. તેની સાથે જ સરકારને નવા કૃષિ કાયદાને રદ કરવા માટે વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી. આ ઉપરાંત ખેડૂતો તરફથી ખેડૂતોની એકતાને તોડવા માટે વિભાજનકારી એજન્ડમાં સામેલ નહીં થવાની પણ માંગ કરવામાં આવી. પ્રદર્શનકારી ખેડૂતોએ કહ્યું કે જો તેમની માંગોને સ્વીકારવામાં નહીં આવે તો રાષ્ટ્રીય રાજધાની તરફના રસ્તાઓને અવરોધી દેવામાં આવશે.

    પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં ખેડૂત નેતા દર્શન પાલે આરોપ લગાવ્યો કે કેન્દ્ર ખેડૂત સંગઠનોમાં ફૂટ પાડવાનું કામ કરી રહી છે, પરંતુ એવું નહીં થઈ શકે. પાલે કહ્યું કે પ્રદર્શનકારી ખેડૂત ત્રણ કૃષિ કાયદાને પરત ન લેવાય ત્યાં સુધી પોતાનું આંદોલન ચાલુ રાખશે. તેઓએ કહ્યું કે અમે દેશભરમાં વિરોધ સ્વરૂપ 5 ડિસેમ્બરે મોદી સરકાર અને કોર્પોરેટ હાઉસિસની વિરુદ્ધ પ્રદર્શન કરીને તથા પૂતળા દહનનું આહવાન આપ્યું છે.