ઓનલાઇન સેવાઓમાં વારંવાર ટેકનીકલ સમસ્યાઓને જોતાં રિઝર્વ બેંકએ એચડીએફસી બેંકના નવા ડિજિટલ લૉન્ચ અને નવા ક્રેડિટ કાર્ડ ઇસ્યૂ કરવા પર રોક લગાવી દીધી છે. આરબીઆઇએ અસ્થાયી રીતે આ રોક લગાવી છે. સાથોસાથ એવું પણ કહ્યું છે કે બેંક બોર્ડ તપાસ કરે કે કેમ વારંવાર આ ટેકનીકલ સમસ્યાઓ આવી રહી છે અને તેના માટે કોણ જવાબદાર છે. મૂળે, એચડીએફસી બેંકમાં ફરી ટેકનીકલ સમસ્યાના કારણે ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ગત બે વર્ષમાં ત્રીજી વાર આવું થયું છે જ્યારે આ પ્રાઇવેટ બેંકમાં આ સમસ્યા ઊભી થઈ છે. એવામાં આપના માટે એ જાણવું જરૂરી છે કે એચડીએફસી બેંકના ગ્રાહક તરીકે આરબીઆઇના આ આદેશથી શું અસર પડશે.

રિઝર્વ બેંકે એચડીએફસી બેંકને ડિજિટલ 2.0 હેઠળ તમામ ડિજિટલ બિઝનેસ જનરેટિંગ ગતિવિધિઓના લૉન્ચને રોકવા માટે કહ્યું છે. બેંકે એ તમામ પ્રસ્તાવિત બિઝનેસ પર રોક લગાવી છે, જેમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત નવા ક્રેડિટ કાર્ડ ઇસ્યૂ કરવા ઉપર પણ રોક લગાવી દીધી છે. જ્યારે બેંક તરફથી તમામ સંબંધિત નિયમોનું પાલનને પૂરા કરી દેવામાં આવશે તો તમામ પ્રતિબંધ હટાવી દેવામાં આવશે.

એચડીએફસી બેંકે કહ્યું છે કે આ કાર્યવાહીથી બેંકના સંચાલન પર કોઈ અસર નહીં પડે. બેંકના ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ બેન્કિંગ સેવાઓના સંચાલન પર આરબીઆઇના આ આદેશની કોઈ અસર નહીં પડે. એચડીએફસી બેંકની પાસે દેશભરના 2848 કસ્બા/શહેરોમાં 15292 ATM છે. એચડીએફસી બેંકે 1.49 કરોડ ક્રેડિટ કાર્ડ અને 3.38 કરોડ ડેબિટ કાર્ડ ઇસ્યૂ કર્યા છે.

રિપોર્સ્ન મુજબ, એચડીએફસી બેંકમાં આ સમસ્યાનું પ્રાથમિક કારણ ડેટા સેન્ટરમાં પાવર ફેલ્યોર છે. પહેલા જ બેંકની સામે આવી સમસ્યા આવી ચૂકી છે. તેને ધ્યાને લેતાં આરબીઆઇ હવે તેની વિગતો જાણવા માંગે છે જેથી બેંકના એટીએમ ઓપરેશન્સ, કાર્ડ્સ અને UPI લેવડ-દેવડમાં તકલીફ ન ઊભી થાય.

છેલ્લી વાર આવી સમસ્યા 21 નવેમ્બરે આવી હતી. ત્યારબાદ આરબીઆઇએ બેંક પાસેથી જવાબ માંગ્યા હતા. આ પહેલા પણ ગયા વર્ષે ડિસેમ્બરમાં આવી જ એક મોટી સમસ્યા સામે આવી હતી. આ દરમિયાન એચડીએફસી બેંકના લાખો ગ્રાહક સતત બે દિવસ સુધી બેન્કિંગ/નેટ બેન્કિંગ સેવાઓનો ઉપયોગ નહોતા કરી શક્યા.