નવસારી સહિત જિલ્લાના અનેક ગામોમાં બપોર બાદ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ જોકે ભરૂચથી 36 કિલોમીટર દૂર હતું. અવાર નવાર થતા આ ભૂંકપના કારણો હજુ દક્ષિણ ગુજરાતમાં સ્પષ્ટ થઇ શક્ય નથી
ગઈકાલે બપોરે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એટલે કે ભરૂચ, અંકલેશ્વર, નવસારી, વાંસદા, ખેરગામ અને સુરતમાં ભૂકંપના આંચકા લાગ્યા હતા. જ્યાં ભૂકંપની તીવ્રતા 4.3ની હતી જો કે નવસારી જિલ્લામાં માત્ર હળવો આંચકો અનુભવાયો હતો. રીંગરોડ વિસ્તાર, લાઈબ્રેરી વિસ્તાર સહિતના કેટલાક વિસ્તારમાં આવેલ હાઇરાઈઝ બિલ્ડીંગોમાં ઉપરના ફ્લેટમાં 3.39 કલાકના અરસામાં હળવા આંચકા અનુભવાયાનું જાણવા મળ્યું છે. નવસારી જિલ્લામાં જ આવેલ ખેરગામમાં પણ હળવા આંચકાનો અહેસાસ થવા પામ્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં સાંજે 5 વાગ્યાના અરસામાં પણ ભરૂચથી 40 કિમી દૂર કેન્દ્રબિંદુ ધરાવતા 2.1 તીવ્રતાના આંચકા આવ્યા હતા. જોકે આ આંચકો નવસારીમાં અનુભવાયો ન હતો. ભૂકંપના આંચકા બીલીમોરા પણ અનુભવાયા હતા. બીલીમોરા પશ્ચિમ વિસ્તારમાં આવેલ શાંતિનગર ટાઉનશીપમાં રહેતા મીઠાઈવાલા પરિવારના સભ્યોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. ખેરગામના મનોજ સોનીનું કહેવું છે કે હું ઝંડાચોક વિસ્તારમાં હતો ત્યારે મારી પોણા ચારના અરસામાં મારી નજીકમાં મુકેલ અત્તરની બોટલ પડી ગઈ હતી, તે વખતે મને આશ્ચર્ય થયું હતું, બાદમાં ભૂકંપની જાણ થતાં તે કારણે જ પડી હોવાનું લાગ્યું હતું. વાંસદાના ઉર્વેશભાઈનું નું કહેવું છે કે તેઓ ઓફિસમાં બેઠા બેઠા પોતાનું વર્ક કરી રહ્યા હતા ત્યારે ૩:૦૦ વાગ્યાની આસપાસ ધરતી ધ્રુજ્વાનો અહેસાસ મને થયો હતો.
આમ દક્ષિણ ગુજરાતમાં હવે ભૂકંપની ઘટનાઓનું પ્રમાણ વધવા લાગ્યું છે એનું સાચું કારણ હજુ લોકો જાણી શક્યા નથી આ બાબતે સ્થાનિક વહીવટી વિભાગે મોટાપાયે શોધખોળ કરવાની જરૂર છે એમ કહી શકાય.