ગુજરાતની વલસાડ જિલ્લાની ૧૮૧ કપરાડા બેઠક માટેની પેટા ચૂંટણીમાં ૭૭.૫૦ ટકા મતદાન થયું હતુ. જેમાં સૌથી વધુ કપરાડા-૨ બુથ પર ૯૩.૧૫ ટકા અને સૌથી ઓછુ કરમખલ-૨ બુથ પર ૪૬.૦૯ ટકા મતદાન નોંધાયું છે. હાલનું ૭૭.૫૦ ટકા મતદાન ગત ચૂંટણી કરતા ૬.૪૨ ટકા ઓછું  થયાનું કહેવામાં આવી રહ્યું છે.

    વલસાડની ૧૮૧-કપરાડા (અ.જ.જા) બેઠક પેટા ચૂંટણીમાં સવારના ૭ થી સાંજના ૬ વાગ્યા સુધીમાં નોંધાયેલા ૧,૨૪,૫૨૫ પુરૃષ અને ૧,૨૧,૨૨૦ મહિલા પૈકી ૯૮,૭૪૫ પુરૃષ અને ૯૧,૭૧૪ મહિલાઓ મળી કુલ ૧,૯૦,૪૫૯ મતદાતાઓએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરતાં પુરૃષોનું ૭૯.૩૦ ટકા અને મહિલાઓનું ૭૫.૬૬ ટકા મળી કુલ ૭૭.૫૦ ટકા મતદાન નોંધાયું હતુ.

     મતદાનમાં સૌથી વધુ ૯૩.૧૫ ટકા મતદાન કપરાડા-૨ બુથ પર થયું હતુ. જેમાં ૪૬૩ પુરૃષ અને ૪૪૮ મહિલાઓ મળી કુલ ૯૧૧ મતદારોએ મતદાન કર્યું હતુ. જ્યારે સૌથી ઓછુ ૪૬.૦૯ ટકા મતદાન કરમખલ-૨ બુથ પર નોંધાયું હતુ. જેમાં ૧૮૬ પુરૃષો અને ૧૫૦ મહિલાઓ મળી કુલ ૩૩૫ મતદારોએ જ મતદાન કર્યું હતુ. સૌથી વધુ પુરૃષોએ કરેલા મતદાનમાં કીસ્ટોનીયા બુથ ઉપર ૨૪૭ પૈકી ૨૩૪ પુરૃષ મતદારોએ મતદાન કરતાં ૯૪.૭૪ ટકા જ્યારે સૌથી વધુ મહિલાઓ કરેલા મતદાનમાં કપરાડા-૨ બુથ ઉપર ૪૭૮ પૈકી ૪૪૮ મહિલા મતદારોએ મતદાન કરતાં ૯૩.૭૨ ટકા મતદાન નોંધાયું છે.

    વલસાડની કપરાડા બેઠકની વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં કુલ ૧,૦૦,૧૬૧ પુરૃષો અને ૯૪,૭૮૨ મહિલાઓ મળી કુલ ૧,૯૪,૮૮૯ મતદારોએ મતદાન કરતા ૮૩.૯૨ ટકા મતદાન કર્યું હતું. આમ હાલની ચૂંટણીમાં ૬.૪૨ ટકા ઓછું મતદાન નોંધાયું છે. હવે જીતનો પ્રવાહ ભાજપ કે કોંગ્રેસ તરફ વહે છે એ આવનારો સમય જ બતાવશે. લોકોએ લીધેલો નિર્ણય જાણવો રસપ્રદ બની રહશે.