પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

    ગુજરાત સરકારે લઘુત્તમ ટેકાના ભાવે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૦-૨૧ અંતર્ગત ડાંગર, મકાઈ અને બાજરીની આગામી તા.૧૬ ઓક્ટોબરથી તા.૩૧ ડીસેમ્બર, ૨૦૨૦ દરમિયાન ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ડાંગર માટે ૯૨, મકાઈ માટે ૬૧ અને બાજરી માટે ૫૭ જેટલા ગોડાઉન કેન્દ્રો/ APMC ખરીદ કેન્દ્ર ખાતે ખરીદવામાં આવી રહ્યું છે.

    કેન્દ્ર સરકારે લઘુત્તમ ટેકાના ભાવમાં ડાંગર (કોમન)રૂ. ૧૮૬૮/-પ્રતિ ક્વિન્ટલ, ડાંગર ગ્રેડ-એ માટે રૂ ૧૮૮૮/- પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે રૂ. ૧૮૫૦/- પ્રતિ કિવન્ટલ, બાજરી માટે રૂ. ૨૧૫૦/- પ્રતિ ક્વિન્ટલ નિયત કર્યો છે. લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સંબંધીત ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, સુરત જિલ્લાના બારડોલી, મઢી, મહુવા, માંડવી, માંગરોળ, નવાગામ, ઓલપાડ, કીમ, કડોદરા તાલુકા ગોડાઉન ખાતે તા.૧થી તા. ૨૯ ઓક્ટોબર, ૨૦૨૦ સુધી ચાલુ થઇ છે. જેની મુદ્દત તા.૧૦ નવેમ્બર, ૨૦૨૦ સુધી લંબાવવામાં આવી છે. જેની સુરત જિલ્લાના તમામ ખેડૂતોને આ બાબતની નોંધ લેવા કહેવાયું છે.

   આ માટેની નોંધણીના જરૂરી પુરાવા જેવા કે આધાર કાર્ડની નકલ/ આધાર નોંધણી નંબર અને તે અંગેનો પુરાવો, અદ્યતન ૭-૧૨, ૮-અ રેકોર્ડ્સની નકલ, ફોર્મ નં -૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રીના થઈ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામે આઈ.એફ.એસ.સી કોડ સહિતની બેન્ક એકાઉન્ટની વિગતો માટે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાના રહેશે. ખેડૂતોને તેમનો જથ્થો સાફ તથા ચારણો કરી તેમજ તેમાં ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સૂકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે. જેથી ખેડૂતોનો જથ્થો અસ્વીકૃત ન થાય. વધુ માહિતી માટે હેલ્પલાઈન નંબર ૮૫૧૧૧૭૧૭૧૧૮ અને ૮૫૧૧૧૭૧૭૧૧૯ ઉપર સંપર્ક કરવા સુરત નાયબ જિલ્લા મેજનેર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા જણાવાયું છે.