આજરોજ દક્ષિણ ગુજરાતના તાપી જીલ્લાના નિઝર તાલુકાના મુખ્ય નિઝર ગામના, ડાંબરી આંબા ફળિયુના આદિવાસી સમાજ લોકોને સ્મશાનમાં જવા માટે, ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એ દ્રશ્ય જોતા ગુજરાતમાં વિકાસના જે દાવાઓ કરવામાં આવે છે તેની પોકળતા સામે આવી છે. નિઝર ગામમાં હાલમાં કોઈ મરણ થાય તો નદીમાં વહેતા પાણીમાંથી નદીને બીજે કાંઠે સ્મશાન હોવાથી સ્થાનિક લોકો નદીમાંથી મૃત દેહ લઈ જવા માટે મજબૂર બન્યા છે.

ઘટના કઈંક એવી ઘટિત થઇ કે રાકેશભાઈ અરવિંદભાઈ પાડવી જેઓ ડાંબરી આંબા ફળિયુ નિઝરમાં રહેતા હતા જેમનું બીમારીના કારણે મૃત્યુ થયુ હતુ. પરંતુ તેમના મૃતદેહને સ્મશાને લઈ જવા માટે, નદીમાં ઊંડા પાણીને પાર કરી સ્મશાનયાત્રા નીકળી હતી. આ ઘટના તાપી વિકાસની દંભી વાતો પર વાસ્તવિકતાની થપાટ ગણાવી શકાય.

સમાજમાં જીવતા માણસની જિંદગી તો તકલીફમાં ગુજરે છે પણ મૃત્યુ પછી પણ આવી તકલીફ પડે એ કેટલુ દુઃખદ અને કમનસીબી કહેવાય..! તાપી જીલ્લાના નિઝરમાં તાલુકામાં બનેલી આ ઘટનાએ લોકોને હચમચાવી નાખ્યા છે. આ તસવીર જોઈને વિકાસના ઢીંઢોરા પિટતા લોકોના કાળજા ક્યારે પીગલશે એમ સ્થાનિક લોકોનું કહેવું છે. હવે નિઝર ગામના ડાબરી આંબા ફળિયા વિસ્તાર રહીશોની હાલાકી ક્યારે દૂર થશે એ જોવુ રહ્યુ.