દેશના પ્રથમ સી-પ્લેન સેવાનું કેવડિયાથી સાબરમતી રિવરફ્ન્ટ વચ્ચે પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ છે. પણ મળતી માહિતી મુજબ કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રાલયે સી-પ્લેન માટે એનવાયરમેન્ટ ક્લિયરન્સ આપ્યુ નથી. એટલું જ નહીં, વોટર એરોડ્રામ માટે જરૂરી પ્રક્રિયા સુધ્ધા હાથ ધરાઇ નથી. આમ છતાંય સી-પ્લેનનું ઉદઘાટન કરી દેવાયુ છે.

     ગુજરાત રાજ્યના બે દિવસીય પ્રવાસે આવેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયાથી રિવરફ્રન્ટ સુધી સી-પ્લેનમાં સવારી હતી. સી-પ્લેન માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, શેત્રૂંજય ડેમ અને પાલીતાણા ડેમમાં વોટર એરોડ્રામ બનાવવા આખીય પ્રક્રિયા ગુજરાત સરકારે પર્યાવરણ મંત્રાલયમાં ૨૨મી એપ્રિલે અરજી કરી હતી. તે વખતે પર્યાવરણ મંત્રાલયની એકસપર્ટ કમિટીએ આ ત્રણેય સ્થળો માટે પર્યાવરણીય અસર અહેવાલ તૈયાર કરવા જણાવ્યુ હતું જેમાં આ પ્રોજેક્ટથી જૈવિક વિવિધત અને પ્રાણીઓને કોઇ અસર પહોંચે છે કે કેમ તે જાણી શકાય.

     આ અહેવાલ રજૂ થયા બાદ જનસુનામણી હાથ ધરવાની હોય છે. સાથે સાથે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે પણ આ અહેવાલ આધારે જનસુનાવણી કરવી પડે જેથી લોકો વાંધા સુચનો રજૂ કરી શકે. પર્યાવરણ અસર અહેવાલ પ્રદુષણ નિયંત્રણ બોર્ડે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ય આપવો પડે. જાણીતા પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિનું કહેવુ છે કે પર્યાવરણ અસર અહેવાલ વિના સી-પ્લેનનું ઉદઘાટન કરી શકાય નહીં કેમ કે પર્યાવરણ મંત્રાલયમાં ગુજરાત સરકારની અરજી પેન્ડિંગ છે. મંત્રાલયે એનવાયરમેન્ટ કલિયરન્સ જ આપ્યુ નથી.

    ગુજરાત સરકારે પણ EIએ રિપોર્ટ તૈયાર કર્યો નથી ત્યારે ગુજરાત સરકારના એવિએશન વિભાગે જ કેન્દ્રના પર્યાવરણ મંત્રાલયના નોટિફિકેશન ૨૦૦૬ના નિયમોનુ સરેઆમ ઉલ્લેઘંન કર્યુ છે તેમ કહીએ તો ખોટુ નથી. વોટર એરોડ્રામ માટે કોઇ પણ જાતની પ્રક્રિયા હાથ ધરાઇ નથી. હજુ પર્યાવરણ મંત્રાલયમાં વોટર એરોડ્રોમને લઇને ગુજરાત સરકારની અરજી પેન્ડિંગ છે. આમ, સી-પ્લેનના ઉદઘાટનને લઇને ફરી એકવાર વિવાદ વકરે તેવી શક્યતા દેખાય છે.

     પર્યાવરણના નિયમોનો સરેઆમ ભંગ કરી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર સી-પ્લેન માટે બનાવાયેલાં વોટર એરોડ્રામને લઇને હવે પર્યાવરણવાદીઓ ફરી મેદાને આવવા તૈયારીઓ કરી રહ્યાં છે. ગમે તે ઘડીએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવી સી-પ્લેન અને વોટર એરોડ્રોમ મુદ્દે જૈવિક વિવિધતાને થતી ગંભીર અસરોને લઇને સરકાર સામે કાયદાકીય લડત આપવા આયોજન થઇ શકે જેના કારણે આગામી દિવસોમાં સી-પ્લેન પ્રોજેક્ટમાં અવરોધ ઉભો થઇ શકે તેવી શક્યતા રહેલી છે. હવે આવનારા સમય જ સી પ્લેનના ભવિષ્યનો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને સુપ્રિમ કોર્ટના નિર્ણય પર થશે.