આપણી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઓનલાઇન પોર્ટલ DIKSHA (Digital Infrastructure for School Education)માં ડાયરેક્ટ પ્લેઝ સેક્શનમાં ૧.૭૫ કરોડ પ્લે સાથે ગુજરાત આખા દેશમાં પ્રથમ ક્રમે છે એવી માહિતી પ્રસારિત કરી છે. આ એપનો દાવો છે કે ગુજરાત લોકડાઉનના સમયમાં અને તે પછી પણ વિદ્યાર્થીઓ સતત ભણતા હતા. તેમના શિક્ષણને કોઇ મોટી અસર થઇ નથી. આ ઉપરાંત ઓનલાઇન શિક્ષણ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ગુજરાતમાં હવે મોટાભાગે તૈયાર થઇ ગયું હોવાનું આ સરવે જણાવે છે આમ આ સર્વેથી ગુજરાત સરકારે એના શિક્ષણ વિભાગ અને શિક્ષકોની પોતાની વાહવાહી તો કરાવી લીધી પરંતુ બીજી બાજુ વાસ્તવિકતા અલગ જ છે. શું જમીની સ્તર પર ખરેખર ઓનલાઈન શિક્ષણ ગુજરાતમાં સફળ બન્યું છે ખરું ?

    રાજ્યભરમાં શૈક્ષણિક સ્થાઓ બંધ હોવાથી અત્યારે સરકારના આદેશ દ્વારા ઓનલાઇન શિક્ષણ શરુ કરવામાં આવ્યું છે. જેનાથી ઘરે બેઠા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ લઇ શકે છે પરંતુ ઓનલાઈન શિક્ષણ માત્ર શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ ઘરે બેઠા ઓનલાઇન શિક્ષણનો લાભ લઇ શકે છે. અંતરિયાળ ગામડાના નહિ.

   આ વાસ્તવિકતાના દ્રશ્યો તમને ગુજરાતના છેવાડે આવેલો વલસાડ જીલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં જોવા મળી શકે. વલસાડની શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ઓનલાઇન શિક્ષણમાં કપરાડા વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટે અડચણ રૂપ બન્યું છે. આ વિસ્તારમાં મોબાઈલ નેટવર્કની સુવિધા ન હોવાથી બાળકો ઓનલાઇન શિક્ષણ મેળવવા મોટા ડુંગરો ચઢવા પડી રહ્યા છે. અભ્યાસ ઇચ્છુક વિદ્યાર્થીઓ રોજ મોબાઇલ-લેપટોપ લઇ નેટવર્ક મેળવવા પથ્થરો વાળા આડાતેડા ડુંગરો ચઢી રહ્યા છે. આ ચઢાણ તેમના જીવ માટે પણ જોખમી બની રહ્યું છે. પરંતુ નેટવર્કની શોધમાં બાળકોએ પોતાના ઘરથી દૂર જંગલમાં ટેકરીઓ પર ભટકવું પડે છે. અને જંગલમાં રખડી અને ડુંગરો, ટેકરીઓ પર ચડી અને મહા મુસીબતે નેટવર્ક મળે તે જગ્યાએ બેસીને અભ્યાસ કરવા મજબૂર થઈ રહ્યા છે સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓએ આવી કપરી પરિસ્થિતિમાં ઓનલાઈન શિક્ષણનો ઘા માર્યા પછી રાત્રી પરીક્ષાના સ્વરૂપે બીજો ઘા માર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાત્રી પરીક્ષાનું અભિયાન ગુજરાત સરકારે ક્યારે ચાલુ કર્યું તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી. અને જો સરકાર ની જાણ બહાર શૈક્ષણિક સંસ્થાઓ આ રાત્રી પરીક્ષાઓ ચલાવી રહી છે તો શું સ્થાનિક શિક્ષણ તંત્રના અધિકારીઓ ઊંઘી રહ્યા છે.

   કપરાડા તાલુકાના લગભગ તમામ ગામના વિદ્યાર્થીઓની જ પરિસ્થિતિ છે મોટાભાગના ગામોમાં નેટવર્કની સુવિધાઓ નથી. મોબાઇલ નેટવર્ક નહિ મળતું હોવાથી અનેક વખત લોકો ફોનથી પણ સંપર્કમાં કરી શકતા નથી. આવા દ્રશ્યો તાલુકાના લગભગ તમામ ગામના જોવા મળે છે. આ વિસ્તારમાં લોકો અને બાળકો તેમની મુશ્કેલી દૂર કરવા માટે સરકાર સમક્ષ આ વિસ્તારમાં મોબાઇલ નેટવર્કની સુવિધાઓ ઊભી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. પણ તો શિક્ષણ અધિકારીઓ તેમની તકલીફ સમજી રહ્યા છે અ સરકાર !

    સમાજ હિતેચ્છુક મનોજ રાઉતનું કહેવું છે કે ‘કપરાડા તાલુકાના રાહોર ગામમાં નેટવર્ક ના આભાવના કારણે 5 થી 6 કિમી દુર ડુંગર પર આવી વિધાર્થીઓ પોતાના જીવને જોખમમા મુકીને ગાઢ જંગલોમાં રાત્રિના સમયે આવી પોતાનુ ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે ઓનલાઇન પરીક્ષા આપવા માટે મજબૂર બની રહ્યાં છે વર્ષોથી ચાલતી આવેલી આ સમસ્યા ક્યારે દૂર થાશે ? કોણ આ સમસ્યા દૂર કરશે ? એનાં માટે જવાબદાર કોણ ? આ પ્રશ્ન વિધાર્થીઓ માં ઉદભવી રહ્યો છે. હાલ ચૂંટણી પ્રચાર નો માહોલ ચાલી રહ્યો છે. નેતાઓ જોર જોર થી આયાતી નેતા લાવી પ્રચાર પ્રસાર કરી રહ્યાં છે કે અમે વિકાસના કામો કરીશુ તો એટલા વર્ષો સુધી તમે શુ કર્યું ? ફક્ત ને ફક્ત આ અમારી આદિવાસી ભોળી જનતાને ભાષણ રૂપી પ્રલોભનો જ આપતાં રહ્યાં છો. ફક્ત પોતાના સ્વાર્થ માટે જ તમે કાર્યો કરી રહ્યાં છો કે પછી લોકો ની સમસ્યા ઓ પણ દુર કરશો ?’

   હાલમાં કપરાડાના આદિવાસી નેતાઓ ચુંટણીમાં મોટા વચનો ખોટા સપનાં બતાવવામાં પડયા છે. અને વિકાસની વાતો  કરવામાં પડયા છે ખબર નહિ કયા વિકાસની વાતો કરે છે ? કપરાડા આદિવાસી નેતાઓ પોતાના જ વિસ્તારમાં મોબાઇલ ટાવર જેવી સુવિધા ઉભી કરવામાં ધરાર નિષ્ફળ નિવડયા છે એ વાસ્તવિકતા નજરો સામે છે. શું આવી રીતે ભણશે ગુજરાત ? શું રાત્રી પરીક્ષાથી ડીજીટલ ઇન્ડીયાના સપનાં પુરા થઇ શકશે ખરા ? આખરે આ રાત્રી પરીક્ષાનું આયોજન કરી સરકાર કે સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓ શું સાબિત કરવા માંગે છે ? શું ઓનલાઈન શિક્ષણ આવા વિસ્તારોમાં સફળ છે ખરું ? ઓનલાઈન શિક્ષણ શેહરોના અર્જુનો માટે છે કે જંગલ વિસ્તારોના એકલવ્યો માટે પણ ? પ્રશ્ન ઉભો છે નક્કી સરકારે કરવાનું છે કે સ્થાનિક પ્રજાએ ? પણ આ રાત્રી પરીક્ષા વિષે નિર્ણય તો કરવો પડશે.