વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસનાં ગુજરાત પ્રવાસે છે. તેમના આ કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ફેરફાર થયો છે. પીએમ મોદી પહેલા હવે કેવડિયા જવાના બદલે કેશુભાઇ પટેલનું નિધન થતા 30મી તારીખ શુક્રવારનાં રોજ સવારે 9.45 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવશે. જે બાદ સવારે 10.15 કલાકે તેઓ ગાંધીનગર ખાતે કેશુભાઇનાં બંગલે જઇને પરિવારને સાંત્વના આપશે.
ત્યાર બાદ પીએમ મોદી સંગીતકાર, અભિનેતા મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાના ઘરે જઇને પણ પરિવારને મળીને સાંત્વના પાઠવી શકે છે. આ રૂટ પર પણ પોલીસે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત તેઓ ગાંધીનગરમાં જ રહેતા તેમના માતા હિરા બાને પણ મળવા જઇ શકે છે. મહત્વનું છે કે, વડાપ્રધાન મોદીએ કેશુભાઇનાં નિધનની જાણ થતા ગુરુવારે સોશિયલ મીડિયા મારફતે કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે શ્રદ્ધાંજલિ સ્વરૂપે પુષ્પહાર પણ મોકલાવ્યો હતો. હવે શુક્રવારે સવારે તેઓ ગાંધીનગર આવશે અને બપોરે કેવડિયા જવા રવાના થશે.
શુક્રવારે સવારે અમદાવાદ આવ્યા પછી કેવડિયા જઈ એકતા દિનની ઉજવણીનાં કાર્યક્રમોમાં ભાગ લેશે. જે બાદ તા. 31ના રોજ પીએમ મોદી ફરીથી અમદાવાદ આવશે. સી-પ્લેનમાં અમદાવાદ ખાતે સાબરમતી નદીમાં ઉતરાણ કરીને કેવડિયા જવાની સુવિધાનું લોકાર્પણ કરશે.તા. 31ના રોજ સી-પ્લેનમાં સાબરમતી નદીમાં લેન્ડીંગ પછી એરપોર્ટથી દિલ્હી જશે.