પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજથી 2 દિવસ ગુજરાતનો પ્રવાસ કાર્યક્રમ છે. જેમાં સૌથી વધુ નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે રોકવાના છે. ત્યારે તેમને લઈને જિલ્લામાં છેલ્લા 1 એક મહિનાથી તૈયારીઓ ચાલે છે. ત્યારે આ કાર્યક્રમને લઈને વિવધ પ્રોજેક્ટોની તૈયારી રોડની તૈયારી કોરોના ટેસ્ટ, કલેકટર, મામલતદાર, વીજ કર્મી, સહિતના તમામ અધિકારીઓ દોડધામ કરી રહ્યા છે. ત્યારે કચેરીઓ સુમસામ છે. અને લોકો ને પોતાના કામો માટે ધક્કા ખાવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને લોકોને જીવન જરૂરીયાત વસ્તુ ખરીદવા માટે પણ ભાળે હાલાકી પડી રહી છે.

    પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને હાલ નર્મદા જિલ્લા સહિત ભરૂચ, છોટાઉદેપુર અને વડોદરા ગ્રામ્ય એમ 4 જિલ્લાના અધિકારીઓ કેવડીયામાં ઉતરી પડ્યા છે, સાથે સાથે મોદીની સુરક્ષા માટે કેવડીયા વિસ્તારમાં 6000 પોલીસ ખડકી દેવાઈ છે. પ્રધાનમંત્રીની સુરક્ષાને લીધે આગામી 30-31 ઓક્ટોબર દરમિયાન કેવડિયા વિસ્તારમાં સામાન્ય જનતા માટે “NO ENTRY” ના આદેશ પણ કરાયા છે, જેને પરમિશન પાસ ઇશ્યુ કરાયા છે એમને પણ પોલીસના સઘન ચેકીંગ બાદ અંદર પ્રવેશ અપાઈ રહ્યો છે. ત્યારે હાલ હજુ બે દિવસ લોકોએ અધિકારીઓની ગેરહાજરી હોય કામો કરાવવા રાહ જોવી પડશે. અને કેવડીયા બજારમાં જીવન જરૂરિયાત ચીજ ખરીદી કરવા જવા માટે પણ ભાળે હાલાકી પડી રહશે.

    જણાવી દઈએ કે અગાઉ નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હતો ત્યારે સ્થાનિક લોકોની માંગણીઓનું નિરાકરણ ન આવતા લોકોએ મોદીના વિરુદ્ધમાં અમુક વિસ્તારમાં કાળા વાવટા પણ ફરકાવ્યા હતા, કેવડિયા સજ્જડ બંધ રહ્યું હતું. આ વખતે એવી સ્થિતિનું નિર્માણ ન થાય એ માટે પોલીસે રાત્રી પેટ્રોલિંગ વધારી દીધું છે. અને સામાન્ય લોકોને કેવડીયા વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. શંકાસ્પદ વ્યક્તિઓ પર વોચ રખાઈ રહી છે તો સાથે સાથે જરૂર જણાય એમને નજર કેદ પણ કરાઈ રહ્યા હોવાની બાબત જાણવા મળી છે.