મહેન્દ્રસિંહ ધોની-16 વર્ષ લાંબી કારકિર્દી, 538 આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો અનુભવ, 17 હજારથી વધુ રન. મહેન્દ્રસિંહ ધોની જેવા બેટ્સમેનને આઉટ કરવો પણ બોલર માટે ગર્વની વાત હોય છે. અને જો આ કામ કોઈ યુવા બોલર કરે તો તેની ખુશી વધી જાય છે. કોલકાતા નાઇટ રાઇડર્સના સ્પિનર વરૂણ ચક્રવર્તીએ સતત બીજી વાર ધોનીને બોલ્ડ કરી દીધો. તે બોલર જે ધોનીનો દિવાનો રહ્યો છે. તેને જોવા માટે ચક્રવર્તી હંમેશા ચેન્નઈના ચેપોક મેદાન પર જતો હતો. પરંતુ બુધવારે ધોની સતત બીજી વાર તેની ફીરકીની આગળ લાચાર જોવા મળ્યો.

  ધોનીનો મેચ બાદ એક વીડિયો ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં વરૂણ ચક્રવર્તી ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધીની સાથે વાતચીત કરતો દેખાઈ રહ્યો છે. એવું લાગી રહ્યું છે જાણે ધોની પાસેથી તે કોઈ ટિપ્સ લઈ રહ્યો છે. 16 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે ધોની અને ચક્રવર્તી ડગ આઉટની પાસે ઊભા છે. ધોનીની વાતોને ચક્રવર્તી ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યો છે.


ચક્રવર્તી આ વર્ષે શાનદાર બોલિંગ કરી રહ્યો છે. તેણે હાલની સીઝનમાં કેકેઆર માટે સૌથી વધુ 15 વિકેટ ઝડપી છે. ચક્રવર્તીના સતત સારા પ્રદર્શનને જોતાં તેને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ક્રિકેટના પંડિત તેને એક મિસ્ટ્રી સ્પિનર કહે છે. મિસ્ટ્રી એટલા માટે કારણ કે વરૂણના ખજાનામાં દરેક પ્રકારની બોલિંગ છે. તે ઓફ બ્રેક, લેગ બ્રેક, ગુગલી, કેરમ બોલ, ફ્લિપર અને ટોપ સ્પિન દરેક પ્રકારની બોલિંગ કરી શકે છે.