ગુજરાતમાં ૩ નવેમ્બરે યોજાનાર વિધાનસભાની પેટા ચૂંટણી માટે પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે, પરંતુ લોકોને આશ્ચર્ય એ છે કે પાકિસ્તાન, દારૂ, પક્ષપલટો અને કરોડો રૂપિયાની લેણદેણની વાત ચાલી રહી છે, પરંતુ સ્થાનિક મહત્વના મુદાઓની વાત થઇ રહી નથી. છેલ્લા કેટલાક સમયથી ડુંગળી-બઢાકાના વધી રહેલા ભાવ, કોરોના લોકડાઉનના કારણે ઠપ થઇ ગયેલા ધંધા-રોજગારને બેઠા કરવા, નોકરીઓની વધુ તકો ઉભી કરવી, ભ્રષ્ટાચાર વગેરેને લગતા વાસ્તવિક મુખ્ય બંને પક્ષો દ્વારા અભેરાઇ પર મુકી દેવામાં આવ્યા છે.

    ગુજરાતમાં ૮ બેઠકોની પેટા ચૂંટણી માટે પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. લોકોને કોરાનાથી સાવચેત રાખવાની સલાહ આપનારા ટોચના નેતાઓ કોરોના વચ્ચે પણ રેલી-સભાઓ કોઈ પણ નીતિનિયમો પાળ્યા વગર આયોજિત કરી પ્રચારમાં વિપક્ષના નેતાઓ ઉપર કાદવ ઉછાળવામાં વ્યસ્ત બન્યા છે. તો રાજયમાં દારૂબંધીના નામે પણ આક્ષેપ-પ્રતિ આક્ષેપ થઇ રહ્યાં છે. પક્ષપલટુ ઉમેદવારોએ કેટલા કરોડ રૂપિયા લીધા તેના નામે સોશિયલ મીડિયામાં અભિયાન પણ ચલાવાઇ રહ્યું છે. પાકિસ્તાન પ્રચારમાં આવી જાય છે. તેની વચ્ચે ચપ્પલ ફેંકવાની ઘટના પણ ચમકી ગઇ છે.

    જોકે, આ બધા વચ્ચે સોશિયલ મીડિયામાં લોકો આશ્ચર્ય વ્યકત કરી રહ્યા છે કે, રાજયના નાગરિકોને સીધા સ્પર્શતા મુદાઓનો પ્રચારમાં કોઇ સમાવેશ નથી કે અછડતો ઉલ્લેખ જ કરવામાં આવતો નથી. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથીજે રીતે ડુંગળી-બટાકાના ભાવો બેફામ રીતે વધી રહ્યાં છે. દર વર્ષે આ રીતે ભાવો વધે છે તેમ છતાં સરકારી તંત્ર દ્વારા તેને નિયંત્રણમાં લેવાની કોઇ કમગીરી કેમ થઇ રહી નથી તે સવાલ ઉભો થઇ રહ્યો છે.

    સરકાર બજેટમાં મોટી સંખ્યામાં વેર હાઉસ- ગોડાઉન બનાવાશે તેવી જાહેરાત કરે છે, તે બને છે કે નહીં અને બને છે તો આવા સમયે તેનો ફાયદો લોકોને કેમ મળી રહયો નથી તે પણ પ્રશ્ન છે. કોરોના- લોકડાઉન બાદ સંખ્યાબંધ રીતે લોકોની રોજગારીને અસર થવા પામી છે. તો મધ્યમવર્ગના અનેક લોકોની નોકરીઓ જવા પામી છે. સરકાર પરંપરાગત રીતે ધંધો-વ્યવસાય કરતા લોકો માટે આત્મનિર્ભર પેકેજ વગેરે જાહેર કરી દીધું છે પણ સીધી રોજગારી મળે તેવા કેટલા પ્રયાસ થયા અને કેટલાને રોજગારી મળી તેવા મુદા બાજુએ મૂકાઇ ગયા હોવાનું પણ મતદારોમાં ચર્ચાઈ રહ્યું છે.

   હાલમાં પોલીસ તંત્રમાં સતત ભ્રષ્ટાચાર માટે પકડાતા ખુદ પોલીસ કર્મીઓ, પેટ્રોલ-ડીઝલમાં જંગી કરવેરા વગેરે મુદ્દે કયો પક્ષ લોકોને રાહત આપવા માટે શું કરશે તેની કોઇ વાત થઇ રહી નથી. જેના કારણે મતદારો પણ હતાશ થઈ ગયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જેની અસર મતદાન ઉપર પડવાની સંભાવના છે. લોકોનો નિર્ણય શું હશે એ જોવું રહ્યું.