પ્રવર્તમાન કેન્દ્ર સરકારના વલણથી નાખુશ ઝારખંડના મુખ્યમંત્રીએ સરકારને કોલસાનો જથ્થો બ્લોક કરવાની ધમકી આપતા કહ્યું હતુંઃ જો સરકારનું વલણ નહીં સુધરે તો આખું ભારત અંધકારમાં ડૂબી જશે. હેમંત સોરેને આક્રમક અંદાજમાં કહ્યું હતું કે GSTની બાકી નીકળતી રકમ આપવાની કેન્દ્રની ત્રેવડ નથી, ને બારોબાર રાજ્યોના પૈસા કાપી લે છે.

      કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે જીએસટી મુદ્દે સંઘર્ષ ચાલી રહ્યો છે. એ દરમિયાન સરકારે ઝારખંડ રાજ્યની વીજળી બિલની બાકી રકમમાંથી ૧૪૧૭ કરોડ રૃપિયા બરોબાર ઝારખંડના RBI એકાઉન્ટમાંથી કાપી લીધા હતા. એ મુદ્દે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને વડાપ્રધાન મોદી અને સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.

       હેમંત સોરેને સરકારને ધમકી આપતા કહ્યું હતું કે જો સરકારનું વલણ નહીં સુધરે તો ક્યાંક એવું ન થાય કે રાજ્યની જનતાએ બધું પોતાના હાથમાં લેવું પડે અને દેશ અંધકારમાં ડૂબી જાય. હેમંત સોરેનનો ઈશારો ઝારખંડ માંથી જતાં કોલસાના જથ્થા તરફ હતો. જો ઝારખંડ કોલસાનો જથ્થો અટકાવી દે તો વીજ પૂરવઠાને ગંભીર અસર થઈ શકે છે.

      કેન્દ્ર સરકારે ત્રણ દિવસ પહેલાં ઝારખંડની બાકી રકમ ૫૬૦૮ કરોડમાંથી ૧૪૧૭ કરોડ ઝારખંડને જાણ કર્યા વગર બારોબર જ કાપી લીધા હતા. એ મુદ્દે લાલઘૂમ થયેલા હેમંત સોરેને કહ્યું હતું કે જીએસટીની રાજ્યોની બાકી નીકળતી રકમ આપવાની કેન્દ્રની ઔકાત તો નથી, એમાં વળી રાજ્યોના પૈસા ઉપર ડોળો માંડીને બેસે છે. કેન્દ્ર સરકાર રાજ્યોની સહિષ્ણુનો અયોગ્ય ફાયદો ઉઠાવે છે. ગુજરાત સમાચારના કહેવા અનુસાર હેમંત સોરેને કહ્યું હતું. આ ખનીજ સંપન્ન રાજ્યથી આખો દેશ ઝગમગે છે. જો લોકો તેને પોતાના હાથમાં લઈ લેશે તો આખો દેશ અંધકારમાં ચાલ્યો જશે. કેન્દ્ર સરકાર વિનંતી છે કે તે રાજ્યોની સહનશીલતાનો ગેરલાભ ન ઉઠાવે અને રાજ્યોના હકનું તેમને આપે.

     ઝારખંડમાં પેટાચૂંટણી થવાની છે. એમાં હેમંત સોરેન રાજ્યોને થતાં અન્યાયનો મુદ્દો બહુ જ આક્રમક રીતે ઉઠાવી રહ્યા છે. જીએસટીની બાકી રકમ મુદ્દે પણ હેમંત સોરેન સતત કેન્દ્રને નિશાન બનાવે છે. રાજ્ય સરકારના આ નિર્ણય સામે કેન્દ્ર સરકારનો કેવો અભિપ્રાય રહશે છે એ તો આવનારો સમય જ બતાવશે.