મોદી સરકારે શરુ કરેલી પ્રધાન મંત્રી કિસાન સન્માન યોજનામાં ખેડૂતોના એકાઉન્ટમાં સીધી સહાય પહોંચાડવા આવતી હતી પરંતુ તેમાં ગરબડ ગોટાળાની ગંધ આવી રહી છે. જેના પગલે રાજ્ય સરકારોએ 47 લાખ ખેડૂતોનુ પેમેન્ટ રોકી દીધુ છે.
આ ખેડૂતો છે જેમનો રેકોર્ડ શંકાસ્પદ છે અથવા તો આધાર કાર્ડ કે બેન્ક એકાઉન્ટના નામના સ્પેલિંગમાં ભૂલ જોવા મળે છે. સરકારના કૃષિ મંત્રાલયના એક અધિકારીના કહેવા પ્રમાણે અરજી કરનારાઓના નામ, મોબાઈલ નંબર તેમજ બેન્ક એકાઉન્ટ નંબરમાં મોટાપાયે ગરબડો હોવાનુ દેખાઈ રહ્યુ છે. આ સિવાય પણ સંખ્યાબંધ કારણો છે જેનાથી ખેડૂતોના એકાઉન્ટમાં પીએમ કિસાન સન્માન યોજના હેઠળની રકમ પહોંચી રહી નથી. કેટલાક કેસમાં તો જે બેન્ક એકાઉન્ટ નંબર અપાયા છે તે અસ્તિત્વમાં જ નથી.
કેન્દ્ર સરકારના અધિકારીનુ એવું કહેવુ છે કે ખેડૂતોના પરિવારોની ઓળખ કરવાની જવાબદારી રાજ્યોની છે. કારણકે ખેડૂતોના રેકોર્ડનુ વેરિફિકેશન રાજ્ય સરકાર કરે છે. કોણ ખેડૂત છે અને કોણ નથી તે રાજ્ય સરકાર નક્કી કરે છે. જેમના રેકોર્ડ રાજ્ય સરકાર સાચા હોવાનુ કહે છે તેમને આ યોજના હેઠળ સરકાર તરફથી 8000 રુપિયા પહોંચાડવામાં આવે છે. આ પૈસા એક વર્ષ દરમિયાન જમા થાય છે. આ 100 ટકા કેન્દ્ર સરકારના ફંડિંગથી ચાલતી સ્કીમ છે. માત્ર રેકોર્ડ રાજ્યોએ નક્કી કરવાનો હોય છે. કેન્દ્ર સરકાર પહેલા રાજ્યોના એકાઉન્ટમાં પૈસા મોકલે છે અને એ પછી ખેડૂતોના ખાતામાં પૈસા જમા થાય છે.
આ પ્રકારના ગોટાળાવાળા તામિલનાડુમાં 10 કેસ સામે આવ્યા બાદ હવે બીજા રાજ્યો અને કેન્દ્ર સરકાર ચોંકી ઉઠી છે. આ મામલાઓમાં અત્યાર સુધીમાં 47 કરોડ રુપિયા રિકવર કરવામાં આવ્યા છે.