એજન્સી, નવી દિલ્હી: સમાજ કલ્યાણના નામે સરકારી ગ્રાન્ટ મેળવી રહેલી ૧૩૦ NGO સામે કેન્દ્ર કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. સામાજીક ન્યાય વિભાગે દેશવ્યાપી ૧૩૦ એવી NGO શોધી લીધી છે, સમાજ કલ્યાણ માટે ગાઇડ લાઇન્સની કોઇ પરવાહ નથી કરતી. આ NGOએ તેના મોટાભાગના રેકોર્ડ સાચવ્યા નથી, તો કેટલીક એનજીઓ હિસાબ બતાવી નથી શકતી કે સરકારી ગ્રાન્ટ ક્યાં વાપરી છે.

       NISDના નેતૃત્વમાં આવી NGOને શોધવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. એક મીડિયા રિપોર્ટ મુજબ ૭૦૦ NGOના સરવે બાદ ૧૩૦ એવી NGO મળી આવી જેના વ્યવહારો ચોખ્ખા ન હતા.

       દેશના મંત્રાલયે આ તમામ NGOને બ્લેકલિસ્ટમાં નાખવાની તૈયારી કરી લીધી છે. આ સિવાય સંબધિત નિયમોને પણ કડક કરી શકવાની સંભાવનાઓ ઉભી થઇ છે. NISD ઇન્સ્પેક્શનમાં IITS, TISS અને દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સામેલ કરાયા હતા. રિપોર્ટ મુજબ આ તમામ એનજીઓને વાર્ષિક ૨૫ લાખની સરકારી ગ્રાન્ટ મળી રહી છે. આ બધામાં ગુજરાતની એક એનજીઓ પણ સામેલ છે જેને ગ્રાન્ટ તો મળી છે પણ અત્યાર સુધી કોઇ કામ નથી બતાવ્યું.

      ભારતના જે ૭૦૦ NGOનું ઇન્સ્પેક્શન કરાયું, એમાં ૩૩૬ ડ્રગ રિહેબિલિટેશન સાથે જોડાયેલ છે. ૨૫૩ સંસ્થાઓ વૃદ્ધ નાગરિકો માટે કલ્યાણ કાર્ય કરી રહી છે. ૧૦૦થી વધારે પછાત જાતિઓના કલ્યાણ માટે કાર્યરત છે. આ સિવાય ગ્રાન્ટ મેળવતી જે NGO સરકારની નજરમાં આવી ચૂકી છે એમાં સૌથી વધારે ૨૦ મહારાષ્ટ્રમાં છે. કર્ણાટકમાં ૧૩, રાજસ્થાનમાં ૧૧ અને યુપીમાં ૮ NGO છે. આ સંસ્થાઓ પાસે ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં કર્યો છે તેનો કોઇ રેકોર્ડ કે હિસાબ નથી. ખરેખર સરકારનો એમના વિરુદ્ધ આ નિર્ણય સરાહનીય છે.