ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2020નો રિપોર્ટ જાહેર થયો છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતની રેન્કિંગ સુધરી છે પરંતુ હજુ પણ ભારત ઘણાં પાડોશી દેશોથી પાછળ ચાલી રહ્યું છે. આ દેશોમાં નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા જેવા દેશો સામેલ છે.

    107 દેશોની યાદીમાં ભારત 94માં ક્રમે આવ્યું છે. માત્ર 13 દેશો જ એવા છે જેમાં ભારત આગળ છે. આ દેશ રવાંડા, નાઈઝિરીયા, અફઘાનિસ્તાન, લીબિયા, મોજામ્બિક અને ચાડ છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સના રિપોર્ટ પ્રમાણે 27.1 સ્કોર સાથે ભારતમાં ભુખના મામલે સ્થિતિ ગંભીર જણાય છે. રિપોર્ટનું માનીએ તો ભારતમાં લગભગ 14% વસ્તી કુપોષણનો ભોગ બની છે.

   જોઈએ તો ભારતના રેંકિંગમાં આ વર્ષે સુધારો થયો છે. ગત વખતે 117 દેશોમાં ભારતની રેંકિંગ 102 હતું, પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે આ વર્ષે કુલ દેશોની સંખ્યા પણ ઘટી ગઈ છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2019ના રિપોર્ટમાં ચીન 25માં સ્થાને, બાંગ્લાદેશ 88માં, નેપાળ 73માં, મ્યાનમાર 69માં અને શ્રીલંકા 66માં સ્થાને હતું. બેલારૂસ, યુક્રેન, તુર્કિ અને કુવૈત અવ્વલ સ્થાને રહ્યાં. ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં જે દેશોનો સ્કોર નીચે રહે છે તેમને ઉંચી રેંકિંગ મળે છે અને જેનો સ્કોર વધારે હોય છે તેમને ઓછી રેંકિંગ મળે છે. આ હિસાબે ભારતને ખરાબ રેંકિંગ મળી છે.

   ભારતમાં ભુખમરાની સમસ્યા વધુ વિકરાળ બની છે. ભારતમાં બાળકોમાં કુપોષણની સ્થિતિ ભયાનક છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ કોઈ દેશમાં કુપોષિત બાળકોના પ્રમાણમાં પાંચ વર્ષની ઓછી ઉંમરવાળા બાળકો જેનું વજન કે લંબાઈ ઉંમરના હિસાબથી ઓછી છે અને પાંચ વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકોમાં મૃત્યુદરના આધાર પર તૈયાર કરવામાં આવે છે.

   ભારતમાં ભુખમરા અને કુપોષણને ડામવા સરકાર અનેક યોજનાઓ અમલમાં તો લાવે છે પરંતુ અમલદારશાહી અને ભ્રષ્ટાચારના કારણે આવી યોજનાઓનો લાભ જરૂરતમંદ લોકો સુધી પહોંચી શકતો નથી. ઉપરથી વધતી જતી મોંઘવારી અને ખાદ્ય પદાર્થોની કીંમતોમાં ઉછાળાના કારણે ગરીબો અને ઓછી આવક ધરાવતા લોકો વધુ ને વધુ નિઃસહાય બની રહ્યાં છે. અનાજની સાર્વજનિક વિતરણ વ્યવસ્થામાં થતો ભ્રષ્ટાચાર તો જગજાહેર છે. આવી યોજનાઓના અમલીકરણ માટે પારદર્શક અને જડબેસલાક વ્યવસ્થા કરવાની જરૂર છે. સાર્વજનિક અનાજ વિતરણ સાથે સંકળાયેલા અધિકારીઓ અને દુકાનદારો પર દેખરેખ રાખવાની જરૂર છે જેથી કરીને ગરીબો સુધી યોગ્ય રીતે અનાજ પહોંચી શકે અને સરકારે ભૂખમરો ઘટાડવા માટે ઠોસ પગલા ઉઠાવવાની જરૂર છે.