સુરતમાં એક અજીબ પ્રેમનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવકનો પોતાની પ્રેમિકા સાથે સંબંધ તુટી ગયો તો તેણે ડેટિંગ પર ખર્ચ કરેલા પૈસા પાછા માંગવાના ચાલુ કર્યા હતા. પૈસા પાછા આપવામાં પ્રેમિકાએ ના પાડી તો યુવક તેને અપશબ્દો કહેવા લાગ્યો હતો. પરેશાન બનીને યુવતીએ યુવક સામે જબરજસ્તી વસુલી કરવાનો કેસ નોંધાવ્યો હતો. યુવકે પોતાની સામેનો આ કેસ રદ કરવા માટે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

         મળતી માહિતી પ્રમાણે 27 વર્ષના યુવકની 21 વર્ષની યુવતી સાથે સોશિયલ મીડિયા પર મુલાકાત થઈ હતી. બંને મહેસાણાના એક ગામના જ રહેવાસી છે. બંનેનો એક જ જ્ઞાતિ સાથે સંબંધ છે. બંને વચ્ચે રિલેશનશિપની શરૂઆત એપ્રિલ 2018માં થઈ હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં બંનેના સંબંધનો અંત આવ્યો હતો. જેનું કારણ મળેલી વિગત અનુસાર કોઈ ખાસ પ્રસંગે યુવકે પ્રેમિકાને તેની સાથે સામેલ થવાનો આગ્રહ કર્યો હતો. પ્રેમિકાએ પરીક્ષાની તારીખનો હવાલો આપીને તેની સાથે જવાની ના પાડી હતી. આનાથી નારાજ થયેલા પ્રેમીએ તેના પર કટાક્ષ કર્યો હતો અને આ વાત બંનેના બ્રેકઅપનું કારણ બન્યું હતું. આ પછી યુવતીએ માર્ચમાં પોલીસ સ્ટેશનમાં યુવક સામે બળજબરીથી વસુલીનો કેસ નોંધાવ્યો હતો.

         પોલીસ ફરિયાદમાં યુવતીએ આરોપ લગાવ્યો છે કે બ્રેકઅપ પછી આરોપી યુવકે તેની પાસે 50 હજાર રૂપિયાની ડિમાન્ડ કરવાની શરૂ કરી દીધી હતી. યુવકે દાવો કર્યો હતો કે આ પૈસા યુવતી પાછળ હરવા ફરવામાં ખર્ચ કર્યા છે. યુવતી સ્ટુડન્ટ્સ હોવાના કારણે આવકનો કોઇ સ્ત્રોત ન હોવાની પોતાની અસમર્થતા બતાવતા પૈસા આપવાનો ઇન્કાર કર્યો હતો. જેના કારણે યુવકે ફોન કરીને ગાળો અને ધમકી આપવાનું શરુ કર્યું હતું. જેથી યુવતીએ તેનો ફોન નંબર બ્લોક કરી દીધો હતો. થોડા દિવસો પછી તેને એક ધમકીભર્યો મેસેજ મળ્યો હતો કે જો યુવતી તેના પૈસા નહીં આપે તો તેની તસવીરોને સોશિયલ મીડિયા પર શેર કરી દેશે. આ પછી યુવતીએ થોડા દિવસો સુધી પોતાનો ફોન બંધ રાખ્યો હતો. જોકે યુવક સુધર્યો ન હતો અને ફરી ફોન કરીને યુવતી પાસે 60 હજાર રૂપિયાની માંગણી કરી હતી. પરેશાન થઈને યુવતીએ યુવક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

        ફરિયાદના જવાબમાં યુવકે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને એફઆઇઆરને રદ કરવાની માંગણી કરી છે. પોતાની અપીલમાં તેણે ફરિયાદને દુર્ભાવનાપૂર્ણ ગણાવી છે. તથા યુવતી દ્વારા લગાયેલા આરોપથી ઇન્કાર કર્યો છે. જુઓ પ્રેમમાં આવું પણ થાય છે હો..જરા સાચવીને પ્રેમમાં પડજો આવા નિર્ણયો તમારી સામે ન લેવાય એ જોજો.