ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાશે. જેને લઈને હાલ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા 8 પૈકી 7 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે સત્તાવાર રીતે જીતુભાઈ ચૌધરીની ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે.
       સતત ચાર ટર્મ સુધી કપરાડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસની ટિકિટ પરથી જીતતા આવેલા જીતુભાઈ ચૌધરી રાજ્યસભાની ચૂંટણી વખતે ધારાસભ્ય પદ અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાઈ ગયા હતા ત્યારે, હવે આ વખતની પેટા ચૂંટણીમાં ભાજપે સત્તાવાર રીતે જીતુભાઈ ચૌધરીને ટિકીટ આપી અને કપરાડા વિધાનસભા બેઠકની જંગમાં ઉતાર્યા છે.
     આમ સતત પાંચમી વખત કપરાડા વિધાનસભા બેઠક પર ઉમેદવારી કરવા જઈ રહેલા જીતુભાઈ ચૌધરીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે નામ જાહેર થતાં જ સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છે. ભાજપના તમામ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ને સાથે લઈ અને ખભે ખભો મિલાવીને આ વખતે પાંચમી વખત કપરાડા વિધાનસભા બેઠક પર ઐતિહાસિક જીત મેળવશે તેવો દાવો કર્યો હતો. અને આ વિસ્તારના જે પડતર પ્રશ્નો છે તે તમામ પ્રશ્નોનો હલ આવશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.