રાજપીપળા: ભરૂચના સાંસદ મનસુખ વસાવા તડ અને ફડ માટે જાણીતા છે. જાહેર સભાઓમાંથી દારૂ અંગેના નિવેદન હોય કે સ્ટેચ્યૂ ઑફ યૂનિટીમાં અધિકારીઓની દાદાગીરીનો વિષય હોય  વસાવા હંમેશા આખા બોલ બોલવા માટે જાણીતા છે. એવું લાગે છે કે વિવાદ મનસુખ વસાવાનો પીછો નથી છોડી રહ્યો. આજે એક રોડના ખાતમુહૂર્ત વખતે રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં રાજેન્દ્ર નગર સોસાયટીમાં પેવર બ્લોકના કામના ખાતમુહૂર્તમાં વિરોધ થયો હતો.

નગરપાલિકાના અપક્ષ કોર્પોરેટર મહેશ વસાવા અને સાંસદ મનસુખ વસાવા સાથે ઉગ્ર બોલાચાલીનો સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. જોકે કોર્પોરેટર મહેશ વસાવાએ આક્ષેપ કર્યો હતો કે બોર્ડમાં કામ લીધું નથી તો કેવી રીતે કામનું ખાતમહુર્ત કર્યું ? આના જવાબમાં મનસુખ વસાવાએ પણ રોકડું પારખાવ્યું હતું કે કાલે સાંજે તો મારા ઘરે ટોળું મોકલ્યું હતું આ માણસે, કામ મેં મંજુર કરાવ્યું છે. જોકે, તકરાર વધતા મનસુખ વસાવાના સમર્થકો મહેશ વસાવાને ધક્કામુક્કી કરીને ટોળામાંથી બહાર લઈ ગયા હતા. પરંતુ વીડિયોમાં જોવા મળતા મુજબ એક તબક્કે મામલો હાથાપાઇ સુધી આવી ગયો હતો.

     મનસુખ વસાવા મંત્રી હતા અને હાલમાં સાંસદ છે, જ્યારે સામા પક્ષે અપક્ષ કોર્પોરેટર પ્રજાની સમક્ષ જાહેરમાં આવી લુખ્ખી તુ-તુ મેં-મેં બંને નેતાઓને શોભા દેતી નથી ત્યારે આ વિવાદ રાજપીપળા, ભરૂચ પંથકમાં ભારે ચર્ચા જગાવી છે. જોકે, ઘટના થોડા સમય માટેની જ હતી ત્યાર બાદ બંને નેતાઓ પોત પોતાના સ્થાને જતા રહ્યા હતા. હવે કોણ જનતાનો સાચો નેતા છે તેનો નિર્ણય લોકો અને સમય કરી આપશે.