ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી સમયે ગુજરાત કોંગ્રેસ દ્વારા 9મી ઓક્ટોબરના શુક્રવારે બપોરે 12 વાગ્યે ગુજરાત જનઆક્રોશ વર્ચ્યુઅલ રેલીનું આયોજન થયું છે જેમાં કોંગ્રેસના સાંસદ એહમદ પટેલ, પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશના નેતાઓ સંબોધન કરશે. 200 તાલુકામાં LED લગાવીને ગુજરાત જનઆક્રોશ વર્ચ્યુઅલ રેલીનું આયોજન કરવામાં આવશે. આ રેલી રાજ્યમાં ફી માફી, ખેડૂતોના પ્રશ્નો સહિતના મુદ્દે જનઆક્રોશ રેલી કરાઈ રહી છે.

        રેલીમાં રાજ્યના જિલ્લા-તાલુકા કક્ષાએથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો-નાગરિકો જોડાશે તેમ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે હમણાં જ અતિવૃષ્ટિ થઈ જેમાં ખેડૂતોને નુકસાન થયું છે. સરકારે 15 દિવસમાં સર્વે કરીને નુકસાની વળતરની વાત કરી હતી પણ આજે એક પણ ખેડૂતના ખાતામાં એક પણ રૂપિયાનું વળતર ચુકવાયું નથી ઉલટાનું ૫૦ ટકા ગુજરાતને આ સર્વેની કામગીરીમાં બાકાત કરી દેવામાં આવ્યા છે.

      કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 250 માંથી 123 તાલુકાને જ સર્વે કરવાની કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા છે એના કારણે મોટા ભાગના તાલુકાના ખેડૂતોમાં આક્રોશ છે. લોકડાઉનના કારણે લોકોની આર્થિત સ્થિતિ ખરાબ થઈ છે લોકોની આવક ઘટી, નોકરીઓ છિનવાઈ ગઈ છે ધંધા વેપાર બંધ થયા છે મંદીનો માહોલ છે આવા સમયે પણ સરકાર વિદ્યાર્થીઓની એક આખા સત્રની ફી માફીની માગ સ્વીકારતી નથી આંદોલનો થયા પણ સરકારે આજ દિન સુધી કાર્યવાહી કરી નથી.
     ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે ચારે તરફ ગુંડારાજ ચાલી રહ્યું છે. જીએસટીના નામે વેપારીઓને નોટિસ મોકલાય છે, આ નોટિસ તોડ કરવાનું માધ્યમ છે. કોરોનામાં ખાનગી હોસ્પિટલો લૂંટ ચલાવી રહી છે. આવા કાળા કાયદા અને સત્તાના બેજવાબદારી ભર્યા વર્તન સામે કોંગ્રેસ પક્ષે ગુજરાત જનઆક્રોશ વર્ચ્યુઅલ રેલીનો નિર્ણય લીધો છે.